Palanpur Bus-Rickshaw Accident: પાલનપુરના ખરોડિયા ચોકડી પાસે આજે એસટી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય 2 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખરોડિયા ચોકડી પાસે વડગામ તરફથી આવતી એક પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી એસટી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગંભીર ઇજાઓ પહોંચતા રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. મૃતકો એકજ પરિવારના હોવાનું હાલ જાણવા મળ્યું છે.
અકસ્માત થયો હોવાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને બનાવમાં ઘાયલ થયેલા 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી. બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પાલનપુર તાલુકા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
