Palanpur News: પાલનપુરની માવજત હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયેલ યુવક થયો જીવતો, જાણો શું છે સમગ્ર ઘટના

સોમવારે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલના ડોક્ટર અર્પિત અગ્રવાલ દ્વારા દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 19 Nov 2025 09:05 AM (IST)Updated: Wed 19 Nov 2025 09:05 AM (IST)
palanpur-hospital-declares-young-man-dead-later-found-alive-640683

Palanpur News: પાલનપુરની માવજત હોસ્પિટલમાં ડોક્ટરોએ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરીને અંગદાન માટેની તમામ તૈયારીઓ શરૂ દીધી હતી, પરંતુ છેલ્લી ક્ષણોમાં યુવકના હાથમાં હલનચલન દેખાતા પરિવારજનોએ નિર્ણય બદલી તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અંગદાનની ટીમ પણ અંગો લેવા આવવાની હતી, આ દરમિયાન ICUમાં હાથ હલ્યા બાદ સિવિલ હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યો છે.

યુવકને અકસ્માત થયો હતો

મળતી માહિતી પ્રમાણે, પાલનપુર નજીક રવિવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ ચિત્રાસણી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા આગળ જતી મોટી ગાડી અચાનક બ્રેક મારતા રિક્ષા પાછળથી ધડકાભેર અથડાઈ હતી અને પાછળથી આવતી બાઈક રિક્ષામાં ઘૂસી જતા બાઈક સવાર ચિરાગ મહેશભાઈ ચૌહાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સ્થિતિ નાજુક દેખાતા શહેરની માવજત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

ડોક્ટરે બેઇન ડેડ જાહેર કર્યો

આ દરમિયાન સોમવારે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલના ડોક્ટર અર્પિત અગ્રવાલ દ્વારા દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી હોસ્પિટલ દ્વારા અંગદાન પ્રોટોકોલ પ્રમાણે સ્પેશિયલ ટીમને જાણ કરવામાં આવી અને દર્દીના પરિવારજનોને અંગદાન અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. પરિવારજનો પણ માનવહિતમાં અંગદાન માટે રાજી થયા હતા. પરંતુ અંગદાન માટેની ટીમ મુંબઈથી આવતી હોવાથી સમયસર પહોંચી શકી નહોતી.

હાથમાં હલચલ જોવા મળી

આ દરમિયાન પરિવારજનો દ્વારા અંતિમ પ્રક્રિયાઓ પહેલાં ચિરાગની બોડીને ચેક કરવામાં આવી, ત્યારે તેના હાથમાં હલનચલન દેખાતા બધા જ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ સમયે પરિવારે તરત જ નિર્ણય બદલી યુવકની સારવારને પ્રાથમિકતા આપતા તેને ફરીથી પાલનપુર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ અંગે તબીબી મોનીટરીંગ ચાલી રહ્યું છે.

માવજત હોસ્પિટના ડોક્ટરનું નિવેદન

માવજત હોસ્પિટલના ડોક્ટર મોહક અગ્રવાલે જણાવ્યું કે, 'કોઈ પણ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ, તેનો બ્રેન ડેડ ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. જ્યારે નીચેનો ભાગ જ્યાં સુધી દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે ત્યાં સુધી તેના અમુક અંગો હળવી મૂવમેન્ટ કરતા હોય છે. જ્યારે દર્દીના શરીર પરથી વેન્ટિલેટર હટાવવામાં આવે ત્યારે ધીમે ધીમે અંગો મૂવમેન્ટ કરવાનું બંધ કરી દે છે.'

સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલ જોષીએ જણાવ્યું કે, યુવકને મૃત જાહેર કર્યો હતો અને અહીં જીવતા લાવ્યા એવું હું ન કહી શકું. પેશન્ટ બ્રેન ડેડ છે. પરિવારના કહેવાથી એડમિટ કરવામાં આવ્યો છે.