Vav-Tharad News: ચાલુ વર્ષે 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. વાવ - સુઈગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. તેના અનુસંધાને વાવ તાલુકાના ભાટવર થી ડેડાવા તરફ જતાં ડામર માર્ગ પર વરસાદ બાદ અંદાજે બે માસ સુધી પાણી ભરાયેલ હોવાથી રાહદારીઓ માટે ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

અધિકારીઓએ રસ્તાની મુલાકાત કરી હતી
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના કલેક્ટરએ તારીખ 10 નવેમ્બરના રોજ અધિકારીઓ તથા સ્થાનિક ગ્રામજનો સાથે સ્થળ મુલાકાત લઈ આ માર્ગ વહેલી તકે શરૂ કરવા બાબતે નિર્દેશ આપ્યા હતા. વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરના માર્ગદર્શન અને સૂચના હેઠળ માર્ગ અને મકાન પંચાયત વિભાગ બનાસકાંઠા દ્વારા તાત્કાલિક માર્ગ સુધારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અતિભારે વરસાદના કારણે બંઘ થયો હતો
માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરી આ માર્ગની મરામત કરી તેને ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે પાણી ભરાયેલા વિસ્તારમાં માર્ગની બીજી બાજુ રહેલા અંદાજે 30 જેટલા પરિવારોની સમસ્યાનો અંત આવ્યો છે. જેમાં ખાસ કરીને ભાટવર ગામના વિદ્યાર્થીઓને શાળામાં આવવા-જવામાં પડતી તકલીફો દૂર થઈ જનજીવન સામાન્ય બન્યું છે. વાવ- થરાદ જિલ્લા વહીવટી તંત્રના ત્વરિત સંકલન થકી આ માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કર્યું છે.

