Vadodara News: શિયાળાની ઋતુ શરૂ થતાં જ ડભોઈ-વડોદરા માર્ગે આવેલ થુવાવી ગામ પાસે પોંક સીઝન જીવંત બની ઉઠી છે. દર વર્ષે જેમ, આ વર્ષે પણ રસ્તા કિનારે 15 જેટલા પોંક સેન્ટરો કાર્યરત થઈ ગયા છે, જ્યાં સુરતી વાનગીનો સ્વાદ માણવા લોકોનો ઘસારો જોવા મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ, વડોદરા, ભરૂચ, નડિયાદ, સુરતથી લઈને મુંબઈ-દિલ્હી સુધીના મુસાફરો ખાસ અહીં થોભી આ ગરમાગરમ પોંકની મજા માણતા જોવા મળે છે.
પોંકના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો
આ વર્ષે પોંકની સીઝન સારી હોઈ છતાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે, જેની સીધી અસરરૂપે પોંકના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ બજારમાં પોંક રૂ. 1 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જે સ્વાદ રસિકોના ખિસ્સા પર ભારણ ઊભું કરી રહ્યો છે. થુવાવી ગામે પોંકની હાટડી ચલાવતા હીંનાબેન ઘનશ્યામભાઈ પટેલ જણાવે છે કે વરસાદથી પાક ઓછો મળતાં પુરવઠો ઘટ્યો છે. “માગ વધી છે અને માલ ઓછો છે, એટલે ભાવ સ્વાભાવિક રીતે વધી ગયા છે,” એમ તેઓ કહે છે.
પોંક તૈયાર કરવાની પ્રક્રિયા હજી પણ પરંપરાગત જ
પોંક તૈયાર કરવાની પ્રક્રિયા હજી પણ પરંપરાગત જ છે. ભઠ્ઠીમાં ડુંડાને શેકી તેને લાંબી કાપડની થેલીમાં ભરી લાકડીથી માર મારતાં પોંક કાઢવામાં આવે છે, ત્યારબાદ મહિલાઓ સુપડાથી તેને સાફસૂફ કરીને વેચાણ માટે તૈયાર કરે છે. સ્વાદમાં વધારો કરવા સાથે કોઠા-તીખી ચટણી, ધાણા-ફુદીનો ચટણી અને મરી-લીંબુવાળી સેવ પીરસાય છે, જે લોકોની જીભ પર પાણી લાવી દે છે. સાથે બાજરીના રોટલા અથવા મકાઈના લોટની જોડી પણ પોંકપ્રેમીઓ ખાસ માણે છે. હાટડીઓ પર બેઠકોની વ્યવસ્થા, પાર્કિંગ અને પારિવારિક માહોલ હોવાથી સાંજથી મોડી રાત સુધી ગ્રાહકોની ભીડ રહે છે.
આ પણ વાંચો
એનઆરઆઈ પરિવારો પોંકનું પેકિંગ કરાવી લઇ જાય છે
એનઆરઆઈ પરિવારો પણ પોંકનું પેકિંગ કરાવીને વિદેશ મોકલાવે છે અને પરત જતા સમયે સાથે લઈ જવાનું ભૂલતા નથી. ભાવ વધ્યા હોવા છતાં સ્વાદ રસિકો માટે પોંકના આકર્ષક સ્વાદ અને સીઝનની લ્હાય લોકોની મોજને ઓછું નથી કરી શકી. શિયાળાની સાથે પોંકનું ‘મધ-મધતું’ આકર્ષણ આજે પણ યથાવત છે.
