Tharad Car Accident: વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં આજે (18 ફેબ્રુઆરી) વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના બની છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામની સીમમાં એક સફેદ રંગની ક્રેટા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડમાં આવેલા બાવળોમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારમાં સવાર બે શખ્સોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.
પૂરઝડપે જતી કાર બાવળ સાથે અથડાઇ
મળતી પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે જ્યારે માર્ગો પર વાહનોની અવરજવર ઓછી હતી, ત્યારે એક સફેદ રંગની ક્રેટા ગાડી પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને ધડાકાભેર પલટીઓ ખાતી રોડ સાઈડના ઝાડી-ઝાંખરામાં ફસાઈ ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો

ટ્રેક્ટરથી મૃતદેહો કઢાયા
અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ક્રેટા ગાડીનું સંપૂર્ણપણે પડીકું વળી ગયું હતું. ગાડીમાં સવાર બંને યુવકો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ ગાડી એટલી ખરાબ રીતે ચેપાઈ ગઈ હતી કે અંતે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. ટ્રેક્ટર દ્વારા ગાડીને ખેંચીને બહાર કાઢ્યા બાદ બંને મૃતદેહોને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ દારૂની રેલમછેલ
આ અકસ્માતે એક નવો વળાંક ત્યારે લીધો જ્યારે ગાડીમાંથી દારૂની બોટલો બહાર ફગાઈ હોવાનું જોવા મળ્યું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ગાડી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરી રહી હતી અને પોલીસના ડરથી કે અન્ય કોઈ કારણસર પૂરઝડપે ચલાવતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.
પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ થરાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે ગાડીના નંબર અને એન્જિન ચેસીસ નંબરના આધારે મૃતકોની ઓળખ વિધિ હાથ ધરી છે. આ સાથે જ ગાડીમાંથી મળી આવેલા દારૂના જથ્થા અંગે અલગથી ગુનો નોંધી, આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી પંથકમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો માટે પૂરઝડપે વાહનો હંકારવા જીવલેણ સાબિત થઈ રહ્યા છે, ત્યારે આ અકસ્માતે ફરી એકવાર પોલીસની પેટ્રોલિંગ અને નાકાબંધી પર સવાલો ઊભા કર્યા છે.
