Tharad News: પત્ની સાથે ઝઘડો કરી કેનાલમાં કૂદ્યા યુવક, જમાઈને બચાવવા જતાં સસરા-સાળા ડૂબ્યા; થરાદનો કરુણ બનાવ

18 કલાક બાદ ફાયર વિભાગની ટીમે કેનાલમાંથી બંને મૃતદેહોને શોધીને બહાર કાઢ્યા હતા. મૃતક મૂળ રાજસ્થાનના રહેવાસી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 04 Aug 2026 08:31 AM (IST)Updated: Tue, 04 Aug 2026 08:31 AM (IST)
tharad-narmada-canal-father-son-drown-and-die-saving-son-in-law
Banaskantha Accident News

Banaskantha Accident News: બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 2 ઓગ્સ્ટ રવિવારની સાંજે પિતા-પુત્રનું ડૂબવાથી મોત થયું છે. પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ કેનાલમાં કૂદેલા જમાઈને બચાવવા જતાં સસરા અને સાળાએ જીવ ગુમાવ્યા છે. ચોંકાવનારી વાત છે કે, જમાઈ પોતે તરીને બહાર નીકળી ગયા અને હાલ ગાયબ છે.

પત્ની સાથે ઝઘડા બાદ ભર્યું આત્મઘાતી પગલું

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો આ પરિવાર છેલ્લા એકાદ મહિનાથી થરાદના જમડા ગામે ખેત મજૂરી માટે આવ્યો હતો. રવિવારે મોડી સાંજે રાજસ્થાનથી જમાઈ પોતાની પત્નીને તેડવા માટે આવ્યો હતો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવીને જમાઈએ ઘર નજીક આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.

જમાઈને બચાવવા પિતા-પુત્રએ લગાવી છલાંગ

પોતાના જમાઈને પાણીમાં ડૂબતો જોઈને તેને બચાવવા માટે 38 વર્ષીય નીલાભાઈ ઠાકોર અને તેમના 22 વર્ષીય  પુત્ર ઈશ્વર નીલાભાઈએ એક પણ પળનો વિચાર કર્યા વિના કેનાલના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, પિતા-પુત્રને એ વાતની જાણ નહોતી કે જમાઈને તરતા આવડે છે. 

18 કલાકના રેસ્ક્યુ બાદ બંને મૃતદેહ મળ્યા

આ બનાવ બાદ જમાઈ ખુદ તરીને સહીસલામત બહાર નીકળી ભાગી ગયા, પરંતુ પિતા અને પુત્ર બંને પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ફાયરમેન ધનજીભાઈના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ તેજ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી હતી. સતત 18 કલાકની જહેમત બાદ સોમવારે પિતા-પુત્રના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

સહીસલામત બચેલો જમાઈ હાલ ગાયબ

કેનાલમાંથી જીવિત બહાર નીકળ્યા બાદ જમાઈ હાલમાં ક્યાં છે તેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. તે કોઈ સગા-સંબંધીને ત્યાં હોવાની પ્રાથમિક વિગત મળી છે, પરંતુ હાલ તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. માત્ર એક ક્ષણમાં નિર્દોષ પિતા-પુત્રનો ભોગ લેવાતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.