Halol: હાલોલ તાલુકાના કાટડિયા ગામે તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા વ્યાજખોરી અને આર્થિક છેતરપિંડીના દુષ્ચક્રની એક દુઃખદ ઘટના સામે આવી છે. આર્થિક તણાવ અને છેતરપિંડીથી હતાશ થઈને ત્રીકમપુરા ગામના 33 વર્ષીય યુવાન મુકેશકુમાર મનુભાઈ ગોહિલે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
તળાવમાંથી મૃતદેહ મળ્યો
પાવાગઢ પોલીસને આજે (મંગળવાર, 2 ડિસેમ્બર) કાટડિયા ગામે આવેલા તળાવમાંથી એક મૃતદેહ મળી આવવાની જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકની ઓળખ પાવાગઢ ખાતે ટેટૂ બનાવવાનો વ્યવસાય કરતા અને ત્રીકમપુરા ગામના રહેવાસી મુકેશકુમાર મનુભાઈ ગોહિલ તરીકે થઈ છે. મુકેશભાઈ પરિણીત હતા અને ત્રણ સંતાનોના પિતા હોવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, મુકેશભાઈ છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેઓ ખાનગી વ્યાજે લીધેલા પૈસાના ચક્રવૃદ્ધિ વ્યાજની જાળમાં ફસાયેલા હતા, જેના કારણે વ્યાજખોરોનું સતત દબાણ રહેતું હતું. આ આર્થિક બોજમાંથી બહાર નીકળવા માટે તેમણે લોન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક લોન એજન્ટએ તેમની સાથે છેતરપિંડી કરીને તેમના પૈસા પણ ડૂબાડી દીધા હતા.
વ્યાજનું દબાણ અને છેતરપિંડીમાં પૈસા ગુમાવવાનો આ બેવડો આઘાત મુકેશભાઈ સહન ન કરી શકતા માનસિક તણાવમાં જીવતા હતા અને આખરે તેમણે તળાવમાં ઝંપલાવીને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે.
ગુમ થવાની તારીખ અને પોલીસ કાર્યવાહી
પરિવારજનોએ માહિતી આપી કે મુકેશભાઈ ગત 28 નવેમ્બર, 2025થી ગુમ થયા હતા, જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. સાસરી પક્ષ અને ગ્રામજનો દ્વારા સતત શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
પાવાગઢ પોલીસે હાલ મૃતદેહનો કબજો લઈ હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત મોત (AD)નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હવે પોલીસની તપાસ વ્યાજખોરો તરફ
આ ઘટના બાદ, પોલીસે વ્યાજખોરી અને છેતરપિંડીના પાસા પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોલીસે મૃતક મુકેશભાઈના બેંક રેકોર્ડ, ફોન કોલ્સ અને સંભવિત વ્યાજ આપનારા લોકોની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ વચ્ચે આ ઘટનાએ વ્યાજખોરીના દુષ્પ્રભાવને ફરી એકવાર ઉજાગર કર્યો છે.
પોલીસનું કહેવું છે કે, મૃતકના પરિવારજનોના નિવેદનોના આધારે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ, જો વ્યાજખોરોના નામ સામે આવશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
