બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: કણજીપાણી પંચાયત 'એપી સેન્ટર' બની, એક વર્ષમાં 2000 યુગલોની નોંધણી!

કણજીપાણી પંચાયતમાં ફરજ બજાવતા તલાટી અર્જુન મેઘવાલે 2025ના એક જ વર્ષમાં રાજ્યભરના યુગલોના બે હજાર જેટલા લગ્નની નોંધણી કરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 05 Dec 2025 12:57 PM (IST)Updated: Fri 05 Dec 2025 12:57 PM (IST)
bogus-marriage-registration-scam-in-panchmahal-talati-allegedly-registered-2000-marriages-in-a-year-and-earned-lakhs-649973

Kanjipani Gram Panchayat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેમલગ્ન અને ભાગીને લગ્ન કરનાર યુગલોની વધતી સંખ્યા વચ્ચે લગ્ન નોંધણીના કાયદાના દુરુપયોગનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. સરદાર પટેલ ગ્રૂપ (SPG)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મહેસાણા ખાતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પંચમહાલ જિલ્લાની કણજીપાણી ગ્રામ પંચાયત રાજ્યભરના બોગસ લગ્ન નોંધણી કરવા માટેનું ‘એપી સેન્ટર’ બની ગઈ છે.

લાલજી પટેલે પુરાવાઓ રજૂ કરીને દાવો કર્યો હતો કે, કાયદાની છટકબારીઓ અને અધિકારીઓની કથિત મિલીભગતનો લાભ લઈને આ પંચાયતમાં અશક્ય લાગતી ઘટનાઓને કાગળ ઉપર સાર્થક કરવામાં આવે છે.

એક જ વર્ષમાં 2000 લગ્નની નોંધણી અને લાખોની કમાણી

SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કણજીપાણી પંચાયતમાં ફરજ બજાવતા તલાટી અર્જુન મેઘવાલે 2025ના એક જ વર્ષમાં રાજ્યભરના યુગલોના બે હજાર જેટલા લગ્નની નોંધણી કરી છે. તેમણે આશરે 50 લાખ રૂપિયા જેટલી મબલખ કમાણી કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આટલી મોટી સંખ્યામાં લગ્નની નોંધણી થવી અને તે પણ રાજ્યભરના યુગલોની, એ વાત પંચાયતની કામગીરી પર શંકા ઊભી કરે છે.

અશક્ય સમયગાળામાં સહીની વિધિ

લાલજી પટેલે અધિકારીઓની મિલીભગતની પોલ ખોલતું એક ચોંકાવનારું ઉદાહરણ પણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લાના શહેરોથી પંચમહાલના કણજીપાણી ગામનું અંતર ઘણું વધારે છે. તેમ છતાં, 14મી નવેમ્બરના રોજ એક યુગલે કરેલી લગ્ન નોંધણીની પ્રોસેસમાં દર્શાવેલ સમય અને સ્થળની વિગતો જોતા ચોંકી ઉઠાય છે.

તેમણે ખુલાસો કર્યો કે, લગ્ન કરનાર યુવતીએ માત્ર ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં જ ઉત્તર ગુજરાતથી પંચમહાલ સુધીના જુદા જુદા ત્રણ સ્થળોએ પહોંચીને પોતાની સહીઓ કરી હોવાનું કાગળોમાં દર્શાવાયું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, અધિકારીઓની મિલીભગત વિના કાગળ ઉપર આ પ્રકારની અશક્ય ઘટનાઓ દર્શાવવી શક્ય નથી.

લાલજી પટેલે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર સમક્ષ ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ તેમજ તલાટી સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.