Panchmahal: ગોધરામાં રખડતા કૂતરાનો કહેર યથાવત, એક જ દિવસમાં 11 લોકોને બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખ્યા

ગોધરાના ભૂરાવાવ, કલાલ દરવાજા, નગર પાલિકા રોડ, ચિત્રા સિનેમા સહિતના વિસ્તારોમાં ડાઘિયાઓના ઝૂંડનો આતંક. ઘરની બહાર નીકળવામાં લોકોને ડર પેઠો, બહારથી આવતા લોકોએ પણ આવવાનું ટાળ્યું

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Dec 2025 03:58 PM (IST)Updated: Wed 03 Dec 2025 03:58 PM (IST)
panchmahal-news-stray-dogs-bite-11-in-last-24-hours-at-godhara-648902
HIGHLIGHTS
  • સરકારી હોસ્પિટલમાં રેબિઝ વિરોધી રસીનો પુરતો જથ્થો

Panchmahal: ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે શહેરના ભુરાવાવ વિસ્તારથી લઈને કલાલ દરવાજા, નગરપાલિકા રોડ, ચિત્રા સિનેમા સહિતના અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ઝૂંડ જોવા મળતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છવાયું છે.

ખાસ કરીને નાના બાળકો, વરિષ્ઠ નાગરિકો અને વહેલી સવાર કે રાત્રીના સમયે બહાર ફરતા લોકો વધારે ભયભીત બન્યા છે. બહારથી આવતા લોકો પણ આ વિસ્તારોમાં જવાનું ટાળતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગોધરા શહેર અને ભામૈયા વિસ્તારમાં સવાર થી લઈને મોડી રાત સુધી રખડતા શ્વાનો દ્વારા 11 લોકોને બચકા ભરી ઘાયલ કરવામાં આવ્યા હતા. તમામ લોકોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો દ્વારા રેબીઝ વિરોધી રસી આપવામાં આવી હતી.

હોસ્પિટલના જણાવ્યા મુજબ, આવા સતત વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી રેબીઝ વિરોધી રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે, જેથી ઇમરજન્સીમાં દર્દીઓને તરત સારવાર મળી રહે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગોધરા નગરપાલિકા રખડતા શ્વાનોને પકડીને પાંજરે પુરવાની કામગીરી કરતું હોવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં આ કામગીરી માત્ર કાગળો પર જ ચાલતી હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરમાં શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે અને તેમના આતંકનો કોઈ કાયમી ઉકેલ જોવા મળતો નથી. નગરપાલિકાના આ અભાવપૂર્ણ વલણને કારણે લોકોને “રખડતા શ્વાનમાંથી હવે મુક્તિ ક્યારે મળશે?” એવો સવાલ સતાવી રહ્યો છે.