Panchmahal: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા આજે ગોધરા-દાહોદ રોડ પર વાવડી બુજર્ગ ખાતે આવેલા 'ગોધરા હાઇવે સર્વિસ પેટ્રોલ પંપ (BPCL)' પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન પેટ્રોલિયમ પેદાશોના વેચાણ અને હિસાબોમાં ગંભીર અનિયમિતતાઓ જણાતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વેચાણ સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, વાહનો સિવાયના પેટ્રોલ તથા ડીઝલના વેચાણના હિસાબો યોગ્ય રીતે રાખવામાં આવ્યા નહોતા. ભૌતિક ચકાસણી દરમિયાન નિર્ધારિત સ્ટોક કરતા 67 લિટર પેટ્રોલ અને 24 લિટર ડીઝલનો જથ્થો વધુ મળી આવ્યો હતો.
સંચાલક દ્વારા બલ્ક કસ્ટમરનો (જથ્થાબંધ ગ્રાહકોનો) ફીલિંગ ડેટા નિભાવવામાં ન આવતા, સંગ્રહખોરીની શક્યતા ચકાસવા માટે સીસીટીવી ફૂટેજનું DVR અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે. વધુમાં, ગ્રાહકોને નિઃશુલ્ક પૂરી પાડવાની થતી 'એર પંપ'ની સુવિધા માટે પણ ગ્રાહકો પાસેથી નાણાં વસૂલવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પ્રાથમિક તપાસમાં સંચાલક દ્વારા 'આવશ્યક ચીજ-વસ્તુ અધિનિયમ-1955', 'પેટ્રોલિયમ રૂલ્સ-2002' તથા 'મોટર સ્પિરિટ એન્ડ હાઈસ્પીડ ડીઝલ ઓર્ડર-2005' ની જોગવાઈઓનો ભંગ થયેલો જણાય છે. આ ગેરરીતિઓના પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પેટ્રોલ/ડીઝલનું વેચાણ સ્થગિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પંચમહાલ જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર સતત સઘન તપાસ કરવામાં આવે છે. ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે.
