Panchmahal: મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસથી પરત ફરી રહેલા પ્રવાસીઓની બસને પંચમહાલ જિલ્લાના શહેરા નજીક ગમખ્વાર અકસ્માત નડયો હતો. શહેરાની વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જતાં તે આગળ ચાલી રહેલા આઇસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોડાસાના 56 જેટલા પ્રવાસીઓ ઉત્તર ભારતનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ખાનગી લક્ઝરી બસ જ્યારે શહેરા પાસે વાઘજીપુર ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી.આથી ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલા આઇસર ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી.
આ અકસ્માતમાં બસમાં સવાર 13 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. બીજી તરફ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે શહેરાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાનિ થવા પામી નહોતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતનો ભોગ બનેલા વાહનોને દૂર કરવાની અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
