Panchmahal: પંચમહાલ જિલ્લાનું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ રવિવારે એક તરફ ભક્તિના રંગે રંગાયું હતું, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર સસ્તા પ્રમોશન માટે જીવના જોખમે સ્ટન્ટ કરનારા યુવકો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી હતી.
રવિવારની રજા હોવાથી યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યારે ઐતિહાસિક સિટી ગેટ પર રીલ બનાવનારા ત્રણ યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
ભક્તોના જયઘોષથી ગુંજી ઉઠ્યું પાવાગઢ
રવિવારની રજાના દિવસે ગુજરાતના ખૂણે-ખૂણેથી અને અન્ય રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના દર્શનાર્થે પાવાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી નહોતી. સમગ્ર ડુંગર અને મંદિર પરિસર 'જય માતાજી' અને 'જય મહાકાળી'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા.
યાત્રિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દર્શન માર્ગ અને મુખ્ય પરિસરમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા હતા જેથી ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

ઐતિહાસિક ગેટ પર સ્ટન્ટ કરનાર ત્રણ રીલબાજો જેલભેગા
ભક્તિમય માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં કેટલાક યુવકોએ કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા. પાવાગઢના ઐતિહાસિક સિટી ગેટ પર ચડીને ૬ યુવકોએ જીવલેણ સ્ટન્ટ સાથેની રીલ બનાવી હતી. આ જોખમી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને સમગ્ર મામલો પાવાગઢ પોલીસના ધ્યાને આવ્યો હતો.

