Terror of rabid dogs in Hamirpur: ગોધરાના હમીરપુરમાં હડકાયા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગામમાં હડકાયા કુતરાએ અનેક ભેંસોને બચકા ભર્યા હતા, જેના કારણે અમુકનું મોત થયું છે. જેથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ચિંતાની વાત એ છે કે, ગામના અન્ય પશુઓમાં પણ હવે હડકવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હડકાયા કુતરા જે ભેંસોને બચકા ભર્યા હતા તેનું દૂધ પીનારા 20થી વધુ લોકોને સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ભેંસોના મોતથી પશુ પાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
આ દરમિયાન પશુચિકિત્સકોની ટીમ પણ હમીરપુર ખાતે આવીને તપાસ શરુ કરી છે. પશુચિકિત્સકની તપાસમાં હડકાયા કૂતરાએ ભેંસોને કરડવાથી ભેંસો પણ હડકાઇ થઇ હોવાનું સામે આવ્યું છે. તેવી ભેંસોને તબીબી ચકાસણી કરીને જરૂરી સારવાર આપવામાં આવી છે.
પશુ ચિકિત્સકનું નિવેદન
કુતરાના આતંકને પગલે ભેંસના મોતના સમાચારની જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવતા ડોક્ટરની ટીમ ગામમાં આવી હતી. તપાસ કરતા ભેંસોમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. સદંતર સ્થિતિનું નિરીક્ષણ કર્યું ત્યારે ભેંસમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. ભેંસોને જરૂરી સારવાર આપી છે.
ગામલોકોનું નિવેદન
એક વ્યક્તિએ જણાવ્યું કે, અમારી ભેંસનું 5 દિવસ પહેલા મોત થયું હતું. ગામમાં જેટલી ભેંસોના મોત થયા છે. તેમાં દરેક ભેંસોના એક જેવા જ લક્ષણો જોવા મળ્યા છે. હડકાયા કુતરા કરડવાથી ભેંસમાં હડકવાના લક્ષણો આવ્યા છે. અમારી ભેંસના મોતથી અમને નુકસાન થયું છે.
