પંચમહાલમાં મેઘરાજાની તોફાની બેટિંગ: શહેરામાં 12 કલાકમાં 7 ઈંચ વરસાદ, જળબંબાકારની સ્થિતિ

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે શહેરા તાલુકામાં માત્ર 12 કલાકમાં 7 ઇંચ (182 મીમી) ધોધમાર વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 25 Jul 2026 08:22 AM (IST)Updated: Sat, 25 Jul 2026 08:22 AM (IST)
panchmahal-shehra-heavy-rain-7-inches-waterlogging-alert

Panchmahal Rain: પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે શહેરા તાલુકામાં માત્ર 12 કલાકમાં 7 ઇંચ (182 મીમી) ધોધમાર વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરાના મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લાભી ગામમાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અણીયાદ ચોકડી પાસે પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, હાલોલમાં 4 ઇંચ (105 મીમી) અને ગોધરામાં સવા બે ઇંચ (61 મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય ઘોઘંબા (56 મીમી), મોરવા હડફ (51 મીમી), કાલોલ (31 મીમી) અને જાંબુઘોડા (27 મીમી)માં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.

naidunia_image

ખેડૂતો માટે ઓક્સિજન સમાન વરસાદ

લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી ખાસ કરીને ડાંગરની રોપણી કરનાર ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ વરસાદ ડાંગરના પાક માટે 'ઓક્સિજન' સમાન સાબિત થયો છે. જોકે, કૃષિ નિષ્ણાતોના મતે જો રવિવાર સુધી હવામાન વિભાગની આગાહી મુજબ સતત ધોધમાર વરસાદ ચાલુ રહેશે, તો ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી રોપેલી ડાંગરને નુકસાન થવાની પણ ભીતિ છે.

વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

ભારે પવન અને વરસાદને કારણે જિલ્લાના વિવિધ જાહેર માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. જોકે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા, હાલોલ અને કાલોલ તાલુકાના રસ્તાઓ પરથી પડેલા વૃક્ષો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.

બીજી તરફ, ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં અને વીજપુરવઠો ખોરવાવાને કારણે પાણી પુરવઠો બાધિત થતાં સ્થાનિક પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હવામાન વિભાગે રવિવાર સુધી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.