Pavagadh in Monsoon: પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસાની વિધિવત શરૂઆત થતાં જ કુદરતે પોતાનું અદભુત સૌંદર્ય પાથરી દીધું છે. મેઘરાજાની મહેરબાનીથી સમગ્ર પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પહેલા વરસાદની સાથે જ પહાડોએ માનો હરિયાળીની લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. પહાડોની ગીરીમાળાઓમાંથી કલરવ કરતા વહી રહેલા નાના-મોટા અસંખ્ય ઝરણાં અને આહલાદક ઠંડો પવન પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
માતાના દર્શન કરવા પાવાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપૂર
કુદરતી સૌંદર્યનો આ અનોખો નજારો નિહાળવા અને શક્તિપીઠ માં મહાકાળીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અત્યારે પાવાગઢ ખાતે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. દેશ-વિદેશથી આવતા માઇભક્તો માં અંબાના શિખર દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દર્શન કર્યા બાદ લોકો પરિવાર અને મિત્રો સાથે ડુંગર પર આવેલા ઐતિહાસિક અને જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે.

પાવાગઢના સૌંદર્યને લોકોએ કંડાર્યો કેમેરામાં
આ વરસાદી અને વાદળછાયા વાતાવરણમાં પાવાગઢનો લોકપ્રિય સેલ્ફી પોઇન્ટ પ્રવાસીઓ માટે સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પૃષ્ઠભૂમિમાં લીલોછમ પહાડ, ધુમ્મસ અને વાદળોની રમઝટ વચ્ચે લોકો પોતાની યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારી રહ્યા છે. અહીં ઉંમરની કોઈ મર્યાદા ભૂલીને લોકો કુદરતને માણી રહ્યા છે. યુવાનોથી માંડીને 75 વર્ષના વડીલો પણ ભારે ઉત્સાહ સાથે ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે.

વિકેન્ડમાં સહેલાણીઓની પહેલી પસંદ
ચોમાસાની ઋતુમાં પાવાગઢનો નજારો એક અલગ જ અનુભૂતિ કરાવે છે. શહેરના ઘોંઘાટથી દૂર અહીંની શુદ્ધ તાજી હવા, ચારેય બાજુ પથરાયેલી હરિયાળી અને પહાડી વાતાવરણ મનને અદભુત શાંતિ આપે છે. વિકેન્ડમાં પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે પાવાગઢ પ્રથમ પસંદગી બની ગયું છે.

હાલ તો રોજિંદા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કુદરતની ગોદમાં પળો વિતાવવા પાવાગઢ પહોંચી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપાર અને પ્રવાસન ઉદ્યોગને પણ મોટો વેગ મળ્યો છે. રોપ-વે, સ્થાનિક ખાનપાનના સ્ટોલ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
