Panchmahal Rain Forecast: પંચમહાલમાં વરસાદનું 'ઓરેન્જ એલર્ટ', પાવાગઢનો પ્રવાસ ટાળવા ભક્તોને ખાસ અપીલ

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 31 Jul 2026 09:56 AM (IST)Updated: Fri, 31 Jul 2026 09:56 AM (IST)
pavagadh-temple-trust-appeal-devotees-to-avoid-visit-heavy-rain-orange-alert-panchmahal
Panchmahal Weather Forecast

Panchmahal Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થઈને સ્ટેન્ડબાય મોડ પર આવી ગયું છે. 

ભક્તોને પાવાગઢની યાત્રા ટાળવા વિનંતી

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન પાવાગઢ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ લપસણા બનવાની અને જોખમ ઊભું થવાની શક્યતા છે. આથી, તમામ હરિભક્તો અને પ્રવાસીઓને આ બંને દિવસ દરમિયાન પાવાગઢની યાત્રા તેમજ મંદિર દર્શન માટે ન આવવા નમ્ર વિનંતી કરી છે.

મહાકાળી મંદિરનો માર્ગ બંધ થઈ શકે

જો વરસાદની તીવ્રતા વધુ રહેશે તો ભક્તોની સલામતીના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા માંચીથી મહાકાળી માતાજીના મંદિર સુધીનો પગપાળા જવાનો માર્ગ બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. હવામાનની પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ જ ભક્તોએ પાવાગઢ યાત્રાનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા કડક સૂચના આપવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે પણ તમામ ભક્તો અને પ્રવાસીઓને પોતાના પરિવાર સાથે સુરક્ષિત સ્થળે રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.