અજમલ ચૌધરી અપહરણ કેસ: ગાંધીનગર આંદોલન પહેલા શંકર ચૌધરીની એન્ટ્રી, રેલીમાં ન જોડાવા કરી સત્તાવાર અપીલ

થરાના બજારમાંથી અજમલભાઈનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 06 Aug 2026 03:02 PM (IST)Updated: Thu, 06 Aug 2026 03:02 PM (IST)
ajmal-chaudhary-kidnapping-case-shankar-chaudhary-appeal-not-to-join-gandhinagar-march-protest
Radhanpur Chaudhary Samaj Meeting

Radhanpur Chaudhary Samaj Meeting: પાટણ જિલ્લાના દાદર ગામના સામાજિક અગ્રણી અજમલ ચૌધરીના અપહરણ અને મારપીટના મામલે ઉત્તર ગુજરાતના રાજકારણમાં અને ચૌધરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. થરાના ભરબજારમાંથી છરીની અણીએ અજમલભાઈનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેનો માફી મંગાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.

રાધનપુરમાં ચૌધરી સમાજની બેઠક

આ ઘટનાથી રોષે ભરાયેલા ચૌધરી સમાજ દ્વારા ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી આપવામાં આવી હતી. જોકે, આંદોલન શરૂ થાય તે પહેલાં જ રાધનપુરમાં ચૌધરી સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નેતૃત્વમાં મળેલી આ બેઠકમાં સ્થાનિક આગેવાનોએ ગાંધીનગરની રેલી કે કૂચમાં ન જોડાવાનો અને આંદોલનથી દૂર રહેવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે.

ન્યાય માટે 10 સભ્યોની વિશેષ કમિટી

આ બેઠક અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, પીડિત અજમલભાઈને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે વઢિયાર અને જતોડા પ્રગણાના ચૌધરી સમાજે 10 સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટી કાયદાકીય મર્યાદામાં રહીને ન્યાય મેળવવા માટેની તમામ પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. 

રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અત્યાર સુધી લેવાયેલા કડક પગલાંથી ચૌધરી સમાજના આગેવાનો સંતુષ્ટ છે, જેમાં મુખ્ય ગુનેગારોની ધરપકડ કરી તેમના પર પાસા (PASA) હેઠળ જેલ ભેગા કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શંકર ચૌધરીએ સમાજના યુવાનોને કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક રેલી કે આંદોલનમાં ન જોડાવા માટે સત્તાવાર અપીલ કરી છે.

સ્થાનિક અગ્રણીઓ દ્વારા કૂચનો વિરોધ

અખિલ આંજણા મંડળના પૂર્વ પ્રમુખ ગણેશભાઈ ચૌધરી અને વર્તમાન પ્રમુખે જણાવ્યું કે, વઢિયાર-જતોડા 72 ગામનો ચૌધરી સમાજ આ ગાંધીનગર કૂચને કોઈ સમર્થન આપતો નથી. સિનાડ મઠથી શરૂ થનારી પ્રસ્તાવિત રેલીથી જો કોઈ અપ્રિય ઘટના ઘટે, પથ્થરમારો થાય અથવા કોઈ અન્ય જ્ઞાતિ સાથે ઘર્ષણ થાય, તો તેની કોઈ સામાજિક જવાબદારી રહેશે નહીં.

વધુમાં, તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક બહારના તત્વો, જેઓ આ સ્થાનિક પરગણાના ભાગ નથી, તેઓ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને ચૌધરી સમાજના ઉત્સાહી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ તત્વો આ સંવેદનશીલ મામલે પોતાના રાજકીય રોટલા શેકવાનો અણઘડ પ્રયત્ન કરી રહ્યા છે.

મુખ્ય સૂત્રધાર સામે કાર્યવાહીની માંગ

જોકે, સમાજના લોકોની મુખ્ય માંગ દેવ દરબાર મઠના મહંત સામે કડક કાયદેસર FIR દાખલ કરવાની છે, જેમને આ સમગ્ર અપહરણ કાંડના મુખ્ય સૂત્રધાર અને કાવતરાખોર માનવામાં આવી રહ્યા છે. પોલીસ વડાએ અગાઉ આ મામલે રજૂઆત મળ્યા બાદ 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સ્થાનિક અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, અજમલભાઈને અત્યાર સુધી યોગ્ય ન્યાય મળ્યો જ છે અને કાયદાના દાયરામાં રહીને જ આગળની લડાઈ શાંતિપૂર્ણ રીતે લડવામાં આવશે.