Patan News: પાટણ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક પગલાં લીધા છે. ફૂડ વિભાગે ખાદ્ય તેલના પેકિંગ એકમો પર હાથ ધરેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જૂના અને વપરાયેલા ટીનમાં તેલનું પુન:પેકિંગ કરતી બે પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાદ્ય સુરક્ષાના નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા બંને સ્થલો પરથી કુલ 16,14,106ની કિમતનો ખાદ્ય તેલનો જથ્થો કબ્જે કરી લેવાયો છે.
પ્રથમ દરોડામાં 12 લાખથી વધુનો જથ્થો જપ્ત
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પ્રથમ રેડ ગોલાપુર આરટીઓ રોડ નજીક આવેલા એન.એ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પાડ્યો હતો. આ એકમના સંચાલક વિનોદભાઈ નરસિંગભાઈ પટેલ જૂના 15 કિગ્રા ડબ્બાઓમાં તેલ ભરીને વેચાણ કરતાં ઝડપાયા હતા. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી રુ.8,66,080ની કિમતના 361 ડબ્બા રિફાઈન સોયાબીન ઓઇલ અને રુ.3,35,650ની કિમતનો 128 ડબ્બા મસ્ટર્ડ ઓઇલ મળીને કુલ રુ.12,01,730નો 7,333 કિગ્રા જથ્થો કબ્જે કર્યો હતો.
બીજા દરડામાં 4 લાખનો માલ કબ્જે કરાયો
તંત્રે બીજો દરોડો નવા ગંજ સામે આવેલી મે. પારેવા ટ્રેડિંગ કંપની ખાતે પાડ઼્યો હતો. જેના સંચાલક દિલીપકુમાર દશરથભાઈ ભાટિયા પણ 15 કિગ્રા જૂના ડબ્બાઓનો ઉપયોગ કરીને ખાદ્ય તેલનું પેકિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ એકમમાંથી રુ.1,21,364 નું રિફાઈન ઓઈલ, રુ.45,636નો 238 લિટર જથ્થો ઉપરાંત, રુ,2,45,376 ની કિંમતનો 5 કિલોગ્રામ જાર પેકિંગનો 1298 લિટર જથ્થો મળીને કુલ ₹4,12,376 નો માલ જપ્ત કરાયો હતો.
ફૂડ શાખાએ 5 નમૂના લેબ ટેસ્ટ માટે મોકલ્યા
ફૂડ વિભાગે પહેલા દરોડામાં સ્થળ પરથી તેલના બે સેમ્પલ લીધા હતા અને વપરાયેલા વિવિધ બ્રાન્ડના 145 ખાલી ટીન સ્થળ પર જ તોડીને નષ્ટ કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં તેલનના 3 નમૂના લેવાયા હતા. પુનવપરાશ રોકવાના હેતુથી 288 ખાલી જૂના ટીન સ્ક્રેપ કરી દેવાયા હતા. ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંને પેઢીઓમાંથી લીધેલા કુલ 5 ખાદ્ય નમૂનાઓને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી અપાયા છે.
તંત્રના જણાવ્યા પ્રમાણે, લેબોરેટરીમાં પૃથ્થકરણ રિપોર્ટ આ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ આરોપીઓ વિરુદ્ધ આગળની કડક ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
