કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે વિવાદઃ જીગ્નેશ મેવાણીના નિવેદનને કિરીટ પટેલે બફાટ ગણાવ્યો, અમિત ચાવડાએ કહ્યું- વાતચીત કરી ઉકેલ લાવીશું

વળતો જવાબ આપતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છેકે, ઘણા લોકોને મીડિયામાં આવા બફાટ કરી ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઇ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 26 Jan 2026 04:22 PM (IST)Updated: Mon, 26 Jan 2026 04:22 PM (IST)
congress-mla-dispute-kirit-patel-slams-jignesh-mevanis-remarks-in-patan

Patan News: પાટણમાં કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચેના વિવાદે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગઇકાલે પાટણમાં એક કાર્યક્રમમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, વહેમ અને ફાંકો હોય તો કાઢી નાખે. તારા જેવા ફૂદાનું ચણુય નહીં આવે. જેના જવાબમાં કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છેકે, આવા બફાટ કરી ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. આવું ગમે તેના વિશે બોલવું યોગ્ય નથી. જ્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, સાથે મળીને વાતચીત કરી ઉકેલ લાવીશું.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું

ગઇકાલે પાટણમાં આયોજીત એક કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યાં હતા. જે દરમિયાન તેમણે પાટણના ધારાસભ્યનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, જો કોઇના મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું એવો વહેમ હોય તો કાઢી નાંખે. અમે સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ચણાનું ફૂદુય નહીં આવે. જીગ્નેશ મેવાણી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યો વળતો જવાબ

જીગ્નેશ મેવાણીએ કરેલા નિવદેનનો વળતો જવાબ આપતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છેકે, મને ટેલિફોનિક જાણકારી મળી હતી કે મારા વિશે કેટલાક લોકોએ નિવેદનો કર્યા છે. જે દિવસે પાટણ માટે મેઘમાયાજીના પીવાના પાણી માટેના બલિદાન અને સામાજિક સમરસતાના ઉત્કૃષ્ટ ઉદાહરણને યાદ કરીને ગૌરવવંતો દિવસ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે આવા પવિત્ર પ્રસંગે રાજકીય બફાટ કરવો તે યોગ્ય નથી.

કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ હાજર હોવા છતાં કોઈએ આવા નિવેદનો કર્યા નહોતા. મને એવું લાગે છેકે જે પ્રકારે નિવેદનો થયા છે, એ એટલા માટે થયા છેકે, ઘણા લોકોને મીડિયામાં આવા બફાટ કરી ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઇ છે.

બંને ધારાસભ્યો વચ્ચે માત્ર ગેરસમજ ઊભી થઈ છેઃ અમિત ચાવડા

બે ધારાસભ્યો વચ્ચેના આ જાહેર ઝઘડા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બંને ધારાસભ્યો વચ્ચે માત્ર ગેરસમજ ઊભી થઈ છે અને પક્ષની નેતાગીરી મધ્યસ્થી કરીને, સાથે બેસીને આ ગેરસમજ દૂર કરશે. ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે હાલ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી છે, છતાં તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે અંદરોઅંદર લડી રહ્યા છે. તેમણે આ વિવાદને કોંગ્રેસની જાતિવાદી વિભાજનકારી માનસિકતા અને માત્ર એક "અહમની લડાઈ" ગણાવી હતી

પ્રદેશ કાર્યાલય સુધી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

પાટણમાં વીર મેઘમાયાજીના પવિત્ર દિવસે એક રાજકીય નેતા દ્વારા કરાયેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ હસમુખ સકસેનાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, એ દર્શનાર્થે નહીં, પરંતુ રાજકીય રોટલા શેકવાના ઈરાદે આવ્યા હતા અને કિરીટ પટેલ વિશે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી. સકસેનાએ આ નિવેદનને પાટીદાર અને દલિત સમાજ વચ્ચે ભાગલા પાડવાનું તથા કોંગ્રેસ પક્ષને નુકસાન પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું.

તેમણે કોંગ્રેસ મોવડી મંડળને આવા નેતા સામે તાત્કાલિક અને જાહેરમાં કાર્યવાહી કરવા અપીલ કરી હતી. વધુમાં, દલિત સમાજ કિરીટ પટેલના સંપૂર્ણ સમર્થનમાં હોવાનું જણાવી, જો તે નેતા જાહેરમાં માફી નહીં માંગે તો પ્રદેશ કાર્યાલય સુધી ઉગ્ર આંદોલન કરવાની અને દલિત સમાજના સભ્યો દ્વારા નાછૂટકે રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.