Gujarat Rain Report, 25 July: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ નોંધાયો છે. પાટણ અને બનાસકાંઠા પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ગતરોજ અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો
આ પણ વાંચો
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 24 જુલાઈ સવારે 6:00 વાગ્યાથી 25 જુલાઈ સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે મોટાભાગના તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ વરસાદવાળા ટોપ 5 તાલુકા
- સાંતલપુર (પાટણ): પાટણ જિલ્લાના સાંતલપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં રાજ્યનો સૌથી વધુ 381 મીમી (15 ઇંચ) વરસાદ ખાબક્યો છે.
- રાધનપુર (પાટણ):સાંતલપુરની સાથે રાધનપુરમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા 342 મીમી (13.46 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- ભાભર (વાવ-થરાદ): આ પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જ્યાં 287 મીમી (11.3 ઇંચ) વરસાદ વરસ્યો છે.
- દિયોદર (વાવ-થરાદ):દિયોદરમાં275 મીમી (10.83 ઇંચ) મુશળધાર વરસાદ ખાબક્યો છે.
- નડિયાદ (ખેડા): ખેડા જિલ્લાના નડિયાદમાં પણ 262 મીમી (10.31 ઇંચ) ધમાકેદાર વરસાદ નોંધાયો હતો.
અન્ય મુખ્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ
આ પાંચ તાલુકા ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 213 મીમી (8.39 ઇંચ) વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 180 મીમી (7.09 ઇંચ) વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પણ 180 મીમી (7.09 ઇંચ) જેટલો ભારે વરસાદ વરસ્યો છે.
| જિલ્લો | તાલુકો | કુલ વરસાદ (મીમી) | કુલ વરસાદ (ઈંચ) |
|---|---|---|---|
| પાટણ | સાંતલપુર | 381 | 15 |
| પાટણ | રાધનપુર | 342 | 13.46 |
| વાવ-થરાદ | ભાભર | 287 | 11.3 |
| વાવ-થરાદ | દિયોદર | 275 | 10.83 |
| ખેડા | નડિયાદ | 262 | 10.31 |
| ખેડા | મહેમદાવાદ | 213 | 8.39 |
| બનાસકાંઠા | દાંતીવાડા | 180 | 7.09 |
| સુરેન્દ્રનગર | થાનગઢ | 180 | 7.09 |
| મોરબી | વાંકાનેર | 176 | 6.93 |
| વાવ-થરાદ | સુઈગામ | 173 | 6.81 |
કયા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી?
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે અને એકાદ-બે સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
એકંદરે જોવામાં આવે તો 24 અને 25 જુલાઈના આ આંકડા દર્શાવે છે કે પાટણ અને વાવ-થરાદ (બનાસકાંઠા) પંથક મેઘરાજાની સૌથી વધુ કહેરનો ભોગ બન્યા છે. અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, અને પ્રશાસન દ્વારા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
