Patan News: પાટણ શહેરમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાથી પાટણના મહિલા જગતમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાટણની પરિણીત મહિલાનો પરિચય એક યુવક સાથે થયો હતો. આ યુવકે મહિલાને મીઠી વાતો કરીને વિશ્વાસમાં લીધી હતી અને ધીમે ધીમે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પ્રેમ સંબંધ ગાઢ બનતા યુવકે મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવ્યા
જોકે, પ્રેમ સંબંધનો અંત આવતાં જ યુવકનો અસલી ચહેરો સામે આવ્યો હતો. યુવકે મહિલાના અંગત ફોટોગ્રાફ્સ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ બદનામીના ડરથી મહિલાએ લાંબા સમય સુધી ચૂપચાપ યુવકની માગણીઓ સંતોષી હતી અને તેના હપ્તાવાર લાખો રૂપિયા પડાવી લીધા હતા.
છેવટે, યુવકની ધમકીઓ અને પૈસાની માગણીઓથી કંટાળીને અને ત્રાસીને પરિણીતાએ હિંમત દાખવીને સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને બ્લેકમેઇલ કરનાર યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ગુપ્ત રીતે તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
