Patan: પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર આવેલ ગરામડી ગામ નજીક ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે.
વારાહી ગામના મુસ્લિમ ઘાંચી પરિવારને અકસ્માત નડ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ વારાહી ગામના મુસ્લિમ ઘાંચી સમાજના 7 સભ્યો અલ્ટો કારમાં હાજીપીરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની કાર સાંતલપુર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ગરામડી ગામ નજીક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
જે બાદ બેકાબુ બનેલી અલ્ટો કાર ડિવાઈડર ઠેકીને સામેથી આવતા ટેન્કર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતને પગલે સાંતલપુર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસની ટીમે સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ હાથ ધરીને અકસ્માત ગ્રસ્ત કારમાં સવાર પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.
જો કે ગંભીર ઈજાને પગલે મહિલા સહિત 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ અહેમદભાઈ ઘાંચી (77), અક્ષર અહેમદ ઘાંચી (47), મદીનાબેન ઘાંચી (46) અને જાવેદ ઘાંચી (25) તરીકે થઈ છે. હાલ તો પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
