સદારામ સેવા સમિતિ ગુજરાતનો મહત્વનો નિર્ણયઃ ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં શું લઈ જવાશે અને શું નહીં?, નિયમ તોડ્યો તો 51 હજારનો દંડ

સદારામ સેવા સમિતિના નેજા હેઠળ 'એક સમાજ, એક રિવાજ' સૂત્ર સાથે ઘડાયેલા આ બંધારણ અંગે સમાજના અગ્રણી નવઘણજી ઠાકોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઠાકોર સમાજે તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 08 Dec 2025 12:10 PM (IST)Updated: Mon 08 Dec 2025 12:17 PM (IST)
patan-news-sadaram-seva-samiti-gujarat-bans-expensive-customs-from-jan-1-651601

Sadaram Seva Samiti Gujarat: ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં પ્રવર્તતા ખર્ચાળ રિવાજો, ખોટા દેખાડા અને કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરસ્વતી તાલુકાના વડુ ગામે રવિવારે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા આયોજિત બેઠકમાં સર્વસંમતિથી એક નવું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે, જેનો અમલ આગામી 1લી જાન્યુઆરી, 2026ના દિવસથી શરૂ થશે.

સમાજ પરિવર્તનની હાકલ

સદારામ સેવા સમિતિના નેજા હેઠળ 'એક સમાજ, એક રિવાજ' સૂત્ર સાથે ઘડાયેલા આ બંધારણ અંગે સમાજના અગ્રણી નવઘણજી ઠાકોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઠાકોર સમાજે તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઈ પરિવાર કે સભ્ય આ નવા નિયમોનો ભંગ કરશે, તો સમાજ દ્વારા તેમને ₹51,000નો દંડ ફટકારવામાં આવશે. એકત્ર થયેલી રકમનો ઉપયોગ સમાજના શૈક્ષણિક વિકાસ સહિતના કાર્યો પાછળ ખર્ચ કરાશે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કહ્યું હતું કે, સમાજ વ્યસનમાંથી હળવો થયો છે. હવે કુરિવાજો, ખોટા ખર્ચા, દેખાવડા અને અંધશ્રદ્ધામાંથી બહાર આવીને શિક્ષણ તરફ વળે તે સમયની માંગ છે. તેમણે ઉપસ્થિત લોકોને આ બંધારણ પાળવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. અન્ય અગ્રણી નંદાજી ઠાકોરે પણ ખોટા ખર્ચાઓ બંધ કરીને નાણાંની બચત કરીને સંતાનોને ભણાવવા સમાજને ભારપૂર્વક અપીલ કરી હતી.

લગ્ન પ્રસંગના ખર્ચ પર અંકુશના મુખ્ય નિયમો

  • દાગીનાની મર્યાદા: દીકરાના પિતાને માત્ર મંગળસૂત્ર (ચાંદીનું), કાનની બુટ્ટી (સગવડતા મુજબ), અને પગની પાયલ (સગવડતા મુજબ) જ પરણાવવામાં લઈ જવાની છૂટ રહેશે; અન્ય દાગીના નહીં.
  • ઓઢમણા-વાસણ પ્રથા બંધ: ચોટણામાં કન્યા પક્ષવાળાને માત્ર પાંચ ઓઢમણા આપવા. 'ઓઢમણા પ્રથા' અને 'વાસણની ઢાલૂ પ્રથા'નો સંપૂર્ણપણે અંત લાવવામાં આવ્યો છે.
  • રસોડા સેટની મર્યાદા: કન્યા પક્ષ તરફથી દીકરીના પિતાએ માત્ર ₹11,000 થી ₹21,000ની મર્યાદામાં જ રસોડા સેટ આપવાનો રહેશે.
  • વરઘોડા અને,એન્ટ્રી પ્રથા પર પ્રતિબંધ: જાનમાં માત્ર 100 વ્યક્તિઓ જ જઈ શકશે. ડી.જે. સામા ગામ લઈ જવા પર, એન્ટ્રી પ્રથા અને વરઘોડા પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ડિજિટલ કંકોત્રી: કંકોત્રી ડિજિટલ માધ્યમ (વોટ્સએપ/ફોન) દ્વારા જ મોકલવી અને ફટાકડા ફોડવા નહીં.
  • મામેરામાં રોકડ મર્યાદા: સગાઈના સમયે યુવતીઓને મોબાઈલ ફોન ભેટમાં આપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જ્યારે મામેરામાં રોકડ રકમની મર્યાદા ₹11,000 થી ₹1,11,000 લાખની રાખવામાં આવી છે.

મરણ પ્રસંગની વિધિઓમાં સુધારો

  • જમણવારની મર્યાદા: 60 વર્ષની ઉંમર પછી મરણ થાય તો જ 'ખીચડી-કઢી' કરી શકાશે; અન્ય કોઈ જમણવાર નહીં. મરણના દિવસે માત્ર દીકરી-જમાઈને જ બોલાવવા.
  • વિધીનો સમયગાળો: મરણપ્રક્રિયાની તમામ વિધિ પાંચ દિવસમાં પૂરી કરવી.
  • સોડા પ્રથા પર નિયંત્રણ: મરણ જનારના નજીકના સગા-સંબંધી સિવાય અન્યએ 'સોડો લાવવી' નહીં. કુલ કુટુંબના માત્ર પાંચ વ્યક્તિઓ જ જઈ શકે.