પાટણમાં ભારે વરસાદ બાદ તંત્ર એક્શનમાં: સાંતલપુર અને સમીના બ્લોક થયેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે ખુલ્લા કરાયા

સાંતલપુર તાલુકાના વૌવા–દાત્રાણા–સાંતલપુર માર્ગ પર ભારે વરસાદના કારણે પડેલા રેઇનકટની જાણ થતાં જ માર્ગ અને મકાન પેટા વિભાગ, રાધનપુરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Jul 2026 05:25 PM (IST)Updated: Sun, 26 Jul 2026 05:25 PM (IST)
patan-news-santalpur-and-sami-roads-repaired-after-rain-damage

Patan News: ભારે વરસાદને કારણે પાટણ જિલ્લાના સાંતલપુર અને સમી તાલુકાના બે મહત્વના માર્ગો પર રેઇનકટ સર્જાતા વાહનવ્યવહારને અસર થવાની સંભાવના ઊભી થઈ હતી. જોકે માર્ગ અને મકાન વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે બંને માર્ગોને તાત્કાલિક ધોરણે મરામત કરીને ફરી વાહનવ્યવહાર માટે ટ્રાફિકેબલ બનાવવામાં આવ્યા છે.

સાંતલપુર તાલુકાના વૌવા–દાત્રાણા–સાંતલપુર માર્ગ પર ભારે વરસાદના કારણે પડેલા રેઇનકટની જાણ થતાં જ માર્ગ અને મકાન પેટા વિભાગ, રાધનપુરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરીને માર્ગને ટૂંકા સમયમાં વાહનવ્યવહાર માટે સુરક્ષિત અને ટ્રાફિકેબલ બનાવવામાં આવ્યો. તે જ રીતે સમી તાલુકાના સમી–નાની ચંદુર માર્ગ પર ભારે વરસાદના કારણે પડેલા રેઇનકટની માર્ગ અને મકાન પેટા વિભાગ, હારીજની ટીમ દ્વારા તાત્કાલિક મરામત કરવામાં આવી હતી. પરિણામે માર્ગ પર વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત કરવામાં આવ્યો અને મુસાફરોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવી.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી મોસમ દરમિયાન તમામ મુખ્ય માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યાં પણ વરસાદના કારણે માર્ગને નુકસાન થાય છે ત્યાં તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરીને જનતાને સલામત અને અવિરત અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ આગામી દિવસોમાં પણ ૨૪×૭ સતર્ક રહી વરસાદી પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી જનહિતની સેવાઓ માટે પ્રતિબદ્ધ રહેશે.

naidunia_image

અઘાર ઘુલવાસણા–કોટાવાડ માર્ગ પર પ્રો-એક્ટિવ સમારકામની કામગીરી

ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ માર્ગ વ્યવહાર સતત સુચારુ રહે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ, પાટણ (રાજ્ય) દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે અઘાર–ઘુલવાસણા–કોટાવાડ માર્ગ પર પ્રો-એક્ટિવ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં જ વિભાગની ટીમ દ્વારા માર્ગનું વિસ્તૃત સર્વેક્ષણ કરીને નબળા અને ક્ષતિગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ યુદ્ધના ધોરણે માર્ગ પર નવા બીટ્યુમિનસ લેયરનું કામ તેમજ રોડ રોલર દ્વારા ગુણવત્તાસભર કોમ્પેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

આ આગોતરા પગલાંના પરિણામે ચોમાસા દરમિયાન માર્ગને થતા સંભવિત નુકસાનમાં ઘટાડો થયો અને અઘાર, ઘુલવાસણા, કોટાવાડ સહિતના વિસ્તારના ગ્રામજનોને વરસાદી મોસમમાં પણ સલામત, સરળ અને અવિરત અવરજવરની સુવિધા ઉપલબ્ધ બની રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગોની ગુણવત્તા જાળવી રાખવા, જનસુરક્ષા સુનિશ્ચિત કરવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ભવિષ્યમાં પણ આવા પ્રો-એક્ટિવ પગલાં સતત લેવામાં આવ્યાં છે. જનહિત અને ગુણવત્તાયુક્ત જાહેર સુવિધાઓ પ્રત્યે વિભાગની પ્રતિબદ્ધતા સતત યથાવત્ રહેશે.

સઘન સર્વેલન્સ, ક્લોરીનેશન અને સારવાર કામગીરી પૂરજોશમાં

પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાજનોની આરોગ્ય સુવિધાઓ તેમજ રોગઅટકાયતી પગલાં અર્થે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ગોખાતર, છાણસરા, પરસુંદ, દૈગામડા, આંતરનેશ, વાધપુરા અને લુણીચણા વગેરે ગામોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહારને અસર થઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર,મેડિકલ ઓફિસરીઓ અને સર્વેલન્સ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રાખી તાત્કાલિક ધોરણે સર્વેલન્સ અને સારવાર કામગીરી શરૂ કરવામાં આવી છે.

naidunia_image

સ્થળાંતરિત નાગરિકો માટે ત્વરિત આરોગ્ય સારવાર

સમી તાલુકાના વાહેદપુરા ગામમાં તળાવ તૂટવાના કારણે પ્રાથમિક શાળામાં આશ્રય મેળવનાર નાગરિકોની સ્થળ પર જ પ્રાથમિક તપાસ અને નિદાન-સારવાર પૂરી પાડવામાં આવી છે. રાધનપુર તાલુકાના દેવ ગામના સ્થળાંતરિત નાગરિકોને હિમજા માતાજીના મંદિર ખાતે આશ્રય અપાયો છે, જ્યાં આરોગ્ય ટીમ દ્વારા નિદાન-સારવાર આપવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર દ્વારા પણ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અપાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત પ્રસુતિની નજીકની તારીખ ધરાવતી સગર્ભા મહિલાઓને સુરક્ષિત સુવાવડ અર્થે પૂર્વતૈયારીના ભાગરૂપે CHC સાંતલપુર અને SDH રાધનપુર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં પાટણકા ગામના સગર્ભા મહિલા સીતાબેન ઠાકોરને સુરક્ષિત સુવાવડ માટે SDH રાધનપુર ખાતે ખસેડાયા છે

ક્લોરીનેશન અને સઘન સર્વેલન્સ

અસરગ્રસ્ત તમામ ગામોમાં ડોર-ટુ-ડોર સઘન સર્વેલન્સ, પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરીનેશન, કલોરીન ટેબ્લેટ અને ORS વિતરણની કામગીરી સતત ચાલુ છે. આશા બહેનો પાસે પણ જરૂરી આરોગ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા તમામ PHC અને CHC ના મેડિકલ ઓફિસરો સાથે સતત સંપર્ક જાળવી પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે હારીજ તાલુકામાં શેલ્ટર હોમ ની મુલાકાત કરી જરુરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત અમરાપુર ગામની મુલાકાત કરી આરોગ્યના અધિકારીઓને જરૂરી માર્ગદર્શ પૂરું પાડ્યું હતું. હાલ જિલ્લાના આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના રોગચાળાની પરિસ્થિતિ નોંધાયેલ નથી અને સમગ્ર આરોગ્ય તંત્ર પૂર્ણપણે સજ્જ છે.