Patan News: પાટણના રાધનપુર સ્થિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. તપાસ અર્થે નિવેદન નોંધાવવા માટે આવેલા પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ ફરજ પર તૈનાત ASI ઘનશ્યામસિંહ રામુજી પર જાનલેવા હુમલો કર્યો હતો.
પિતા-પુત્રે કચેરીમાં ગાળો બોલતા ASIએ સમજાવ્યા
રાધનપુર તાલુકાના અગીચણા ગામના શંકરભાઈ ડુંગરભાઈ આયર અને તેમનો પુત્ર લક્ષ્મણ ઉર્ફે લાલાભાઈ કચેરી ખાતે એક તપાસના કામે નિવેદન આપવા માટે આવ્યા હતા. જોકે, તેમણે નિવેદન આપવાની ના પાડી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. કચેરીમાં હાજર પોલીસકર્મીઓ અને સાક્ષીઓને ગાળો ભાંડવાનું શરુ કરતાં, ASI ઘનશ્યામસિંહે તેમને શાંત પાડવાનો પ્રયાસ કરીને નિયમ પ્રમાણે વર્તવા કહ્યું હતું.
ASI પર જાનલેવા હુમલો અને હત્યાનો પ્રયાસ
ઘનશ્યામસિંહ જ્યારે બંને પિતા-પુત્રને સમજાવી રહ્યા હતા, ત્યારે બંને ઉશ્કેરાઈ ગયા હતા. તેઓ તેમના અન્ય સાગરિત ભરતભાઈ શંકરભાઈ આયર સાથે ફોન પર સતત સંપર્કમાં હતા. તેમજ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરુપે તેમણે હુમલો કર્યો હતો., લક્ષ્મણભાઈએ ASIનો કોલર પકડી લીધો હતો. જ્યારે શંકરભાઈએ તેમનું ગળુ દબાવી દીવાલ સાથે માથુ અથડાવીને શ્વાસ રોકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થળ પર હાજર બીજા પોલીસ કર્મચારીઓ અને સાક્ષીઓએ તાત્કાલિક વચ્ચે પડીને ASIને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. તે જ સમયે સાગરિત ભરત આયર પણ ત્યાં પહોચી ગયો હતો અને પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાળો આપી હતી.
ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી
સરકારી કર્મચારીની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરી જાનલેવા હુમલો કરવા બદલ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે બીએનએસની કલમ 221, 132, 109(1) અને જીપી એક્ટ કલમ 117,110 સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓને જેલભેગા કરી દીધા છે.
