Patan Vahedpura Flood Rescue: ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદની અસર પાટણ જિલ્લામાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. પાટણના સમી તાલુકામાં આવેલા વાહેદપુરા ગામે ભારે વરસાદને કારણે ગામનું તળાવ ઓવરફ્લો થતા એકાએક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, વહીવટી તંત્રની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને પગલે એક મોટી જાનહાનિ ટળી છે.
નીચાણવાળા વિસ્તારના 80 લોકોનું સ્થળાંતર
વાહેદપુરા ગામે તળાવ ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. સંભવિત જોખમને અગાઉથી જ પારખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોનું તાત્કાલિક ધોરણે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા અંદાજે 80 જેટલા લોકોને સુરક્ષિત રીતે ગામની જ નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમના માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. લાયસન ઓફિસર અને સમીના પ્રાંત ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

આ અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખીને રાહત અને બચાવ કામગીરીનું સફળતાપૂર્વક સંકલન કર્યું હતું. સ્થાનિક લોકોએ પણ તંત્રની પ્રશંસા કરતા જણાવ્યું કે, તંત્રના સતત મોનીટરીંગ, સમયસરની ચેતવણી અને ઝડપી નિર્ણયને કારણે એક સંભવિત મોટી દુર્ઘટના ટળી શકી છે.
તંત્રની અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ
હાલ વાહેદપુરા ગામમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રએ વર્તમાન વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર ફેલાતી અફવાઓથી દૂર રહે, માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે અને સાવચેતી જાળવી રાખે.
