Patan News: થોડા દિવસ અગાઉ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના સરપંચના ઘરે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આખરે વિવાદ વકરતા સરપંચે બે હાથ જોડીને જાહેરમાં સમાજની માફી માંગી લીધી છે. આ સાથે જ તેમણે સમાજ દ્વારા ફટકારવામાં આવેલ દંડની રકમ પણ ભરી દીધી છે.
સમાજનું બંધારણ તોડવાનો કોઈ ઉદ્દેશ્ય નહતો
કોરડા ગામના યુવા સરપંચના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે માતાજીનો કાર્યક્રમ હોવાથી ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ જોવા મળ્યા હતા.
આ વીડિયો વાયરલ થતાં કોરડા ગામના સરપંચ દ્વારા ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થવા લાગ્યો હતો.
જેને લઈને સરપંચના પિતા મગનજી ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, ધાર્મિક પરંપરા અને આસ્થાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમારો સમાજના બંધારણને તોડવાનો કોઈ ઉદ્દેશ્ય નહતો. જ્યારે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, આ પ્રસંગમાં કોઈ ડીજે વાગ્યું નથી, પરંતુ રાસ ગરબા રાખ્યા હોવાથી માત્ર કલાકારની રીધમ જ હતી.
કોરડા ગામમાં ઠાકોર સમાજનું સંમેલન મળ્યું
કોરડા ગામના સરપંચની દીકરી કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગ નિમિત્તે રાખેલા રાસ-ગરબામાંને સામાજિક બંધારણનો ભંગ માનીને કોરડા ગામમાં 3 ગામના ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતુ. જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં પંચ દ્વારા સામાજિક બંધારણના નિયમોનો ભંગ કરવા બદલ મગનજી ઠાકોરને રૂ. 1.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ સમાજની દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરડા ગામના સરપંચે બે હાથ જોડી માફી માંગી
આખરે સરપંચ મગનજી ઠાકોરે સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયને શિરોમાન્ય ગણીને જાહેરમાં બે હાથ જોડી સમાજની માફી માંગી છે. આ સાથે જણાવ્યું કે, મારા ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે માતાજીનો કાર્યક્રમ હોવાથી રાસ ગરબા રાખ્યા હતા. એમાં જો સમાજને મારી કોઈ ભૂલ દેખાતી હોય, તો હું માફી માંગુ છું
જ્યારે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે, કોરડા ગામે 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોનું સંમેલન મળ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યું હતુ. જેમાં સરપંચ મગનજી ઠાકોરે સમાજ સમક્ષ માફી માંગી છે. આ સાથે જ સમાજમાં યોગદાન આપવા માટે રૂ. 1.51 લાખનો દંડ પણ ભરી દીધો છે.
