પોરબંદરમાં 100 તલાટીઓની હડતાળ: 52 જેટલી મહેસૂલી કામગીરીઓ ઠપ, ગ્રામજનો મુશ્કેલીમાં

પોરબંદરમાં લગભગ 100 તલાટી-કમ-મંત્રીઓ પડતર માંગણીઓ પર અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે 52 મહેસૂલ સંબંધિત સેવાઓને અસર થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 11 Jul 2026 09:07 AM (IST)Updated: Sat, 11 Jul 2026 09:07 AM (IST)
porbandar-talati-strike-100-talatis-revenue-work-stalled-villagers-facing-problems

Porbandar News: પોરબંદર જિલ્લામાં સરકારી કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને ફરીવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લાની વિવિધ ગ્રામ્ય પંચાયતોમાં ફરજ બજાવતા અંદાજે 100 જેટલા તલાટી કમ મંત્રીઓ હડતાળ પર ઉતરવાનો મોટો નિર્ણય લીધો છે. વર્ષો જૂની પડતર માંગણીઓને સરકાર દ્વારા સંતોષવામાં ન આવતા તલાટી મંડળ દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ હડતાળના કારણે ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના લીધે સામાન્ય ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તલાટીઓ કેમ ઉતર્યા હડતાળ પર

ગુજકાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આદેશ અનુસાર પોરબંદર જિલ્લા તલાટી મંડળે 3 જુલાઈથી અચોક્કસ મુદ્તની હડતાળ શરુ કરી છે. તલાટીઓનો આક્ષેપ છે કે, વર્ષ 2022માં થયેલી હડતાળ વખતે સરકાર સાથે સમાધાન થયું હતું. આ વાતને સાડા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી.

તલાટીઓના જોબચાર્ટ અને અન્ય વિભાગોની વધારાની કામગીરી બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. ગ્રામ્ય કક્ષાએ સૌથી જૂનું કેડર હોવા છતાં તલાટીઓ સતત માનસિક અને કાર્યકારી દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. આ બાબતે તલાટી મંડળ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આ નિર્ણય લીધો છે. ઉપરાંત તલાટી મંડળના જણાવ્યા મુજબ, જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેશે.

તલાટીઓની હડતાળથી કઈ કામગીરી બંધ રહેશે?

તલાટી કમ મંત્રીઓ દ્વારા પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં મુ્ખ્યત્વે ગામના નમૂના નંબર 1થી 18 સહીતની કુલ 52 કામગીરીઓ બંધ રહેશે. જેમાં કાયમી ખરડો અને ફોરેસ્ટ રજિસ્ટર, હક્ક પત્રક અને વારસાઈ રજિસ્ટરની નોધણી, જમીન મહેસૂલ નિયમ 81 અને જમીન ખાતાવહી અને શિક્ષણ ઉપકર અને રોજમેળની કામગીરી અટકાવી દેવાશે

કઈ કામગીરી ચાલુ રહેશે

ગ્રામજનોને પાયાની સુવિધાઓમાં કોઈ મુશ્કેલી ન પડે માટે તલાટીઓ દ્વારા માત્ર પસંદગીની અનિવાર્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જેમાં ગ્રામ વિકાસ વિભાગની મૂળભૂત ફરજો, સીએસઆર પોર્ટલ અંતર્ગત જન્મ અને મરણનું રજિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ પાક નુકસાનીના સરવેની કામગીરી ચાલુ રહેશે.

ગ્રામ્ય વિસ્તારના મહત્વના દસ્તાવેજો અને મહેસૂલી કામગીરીઓ બંધ થવાના લીધે ખેડૂતો અને ગ્રામજનોના કામો અટવાયા છે. નાની-મોટી વહીવટી મંજૂરીઓ કે દાખલાઓ મેળવવા માટે હવે ગ્રામીણ જનતાને ગામડાઓ છોડીને રુબરુ શહેર સુધી ધક્કા ખાવાની નોબત આવી છે. જેનાથી સમય અને નાણાં બંનેનો વેડફાટ થઈ રહ્યો છે.