Gujarat Local Body Polls 2026: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા અને સૌથી મોટી મહાનગરપાલિકા એવી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે.
આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક દિગ્ગજ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આવતીકાલે ભાજપના તમામ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરશે.
આજની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીતભાઈ મુંધવાની રહી હતી. રણજીત મુંધવા પોતાની પરંપરાગત શૈલીમાં અને કાઠિયાવાડી સંસ્કૃતિને છાજે તેમ ઘોડા પર સવાર થઈને કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમની આ અનોખી રીતને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમની સાથે અન્ય ઉમેદવાર મેહુલ મકવાણા અને પુષ્પાબેન પણ જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી દીધું હતું.
રાજકોટની ચૂંટણીમાં આ વખતે ગ્લેમર અને પ્રતિષ્ઠાનો જંગ પણ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

નયનાબાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, તેઓ વોર્ડના પ્રાણપ્રશ્નો અને મહિલાઓના ઉત્થાન માટે લડશે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે નયનાબાની ઉમેદવારીથી વોર્ડ નંબર ૨ માં મુકાબલો રસાકસીભર્યો બનશે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ આજે અનેક વોર્ડમાં પોતાના ઉમેદવારો પાસે ફોર્મ ભરાવીને 'ત્રીજા પક્ષ' તરીકે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. આપના ઉમેદવારોએ ભ્રષ્ટાચાર મુક્ત શાસનના મુદ્દે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.
જ્યારે સત્તાધારી પક્ષ ભાજપે એક રણનીતિના ભાગરૂપે આવતીકાલે તમામ ઉમેદવારોને એકસાથે ફોર્મ ભરવા માટે આદેશ આપ્યો છે. ભાજપ દ્વારા મોટા નેતાઓની હાજરીમાં વિજય સંકલ્પ રેલી કાઢવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
