Rajkot: શહેરના રેલનગર વિસ્તારમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવકે પંખા સાથે ચુંદડી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતકના શરીરે વિખોડીયા ભર્યાના નિશાન હોવાથી પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રેલનગરના સાફી પાર્કમાં રહેતો મયુર રાણા (30) નામના નેપાળી યુવકે આજે સવારે પોતાના ઘરના ઉપરના રુમમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવેલી પોલીસે મૃતદેહ ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ મોકલી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મયુર બે ભાઈ અને બે બહેનમાં નાનો હતો. તેમજ તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. મયુર અગાઉ ડિલિવરીમેન તરીકે કામ કરતો હતો.
જો કે બે મહિનાથી આંખે ઓછું દેખાતું હોવાથી તે કોઈ કામધંધો નહતો કરતો. આજે સિવિલમાં બતાવવા જાવાનું હોવાથી મયુરે સવારે મિત્રને ફોન કરીને રૂપિયા માંગ્યા હતા. આથી તેની પત્ની નિશાએ બીજા પાસે રૂપિયા કેમ માંગો છો? તેમ કહીને મશ્કરીમાં મોબાઈલ છીનવી લીધો હતો. આથી મયુરે 'મારે મરી જવું છે' તેમ કહ્યું હતુ.
આથી પત્ની નિશા 'આવું કેમ બોલો છો' કહીને ન્હાવા માટે ગઈ હતી. જ્યારે તે બાથરૂમમાંથી નીકળી ત્યારે ઉપરના રૂમનો દરવાજો બંધ હતો. જે ખખડાવવા છતાં પતિ ખોલતો નહતો. આથી પાડોશીઓને બોલાવીને દરવાજો તોડીને જોતા પતિ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જો કે મૃતક મયુરના શરીરે વિખોડિયાના નિશાન હોવાથી પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
