UpdatedIST

Rajkot: ધો.12માં ઓછા ટકા આવતા હતાશ યુવકે ગળેફાંસો ખાઈ લીધો, 108ની ટીમે મૃત જાહેર કર્યો

ભાઈ કામ પર ગયા અને ભાભી નજીકમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા, ત્યારે ઘરમાં એકલા રહેલા રિશિએ અંતિમ પગલું ભરી લીધું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Feb 2026 10:51 PM (IST)Updated: Sat 21 Feb 2026 10:51 PM (IST)
rajkot-youth-dies-by-suicide-after-low-class-12-marks-declared-dead-by-108-team-696412
HIGHLIGHTS
  • એકાદ વર્ષ પૂર્વે રિષિને ધો.12ની પરીક્ષામાં ઓછા ટકા આવતા તે ગુમસુમ રહેતો હતો
  • મૃતક રાજકોટમાં ભાઈ-ભાભી સાથે રહેતો હતો

Rajkot: અભ્યાસમાં નાપાસ થવાના ડરે અને ઓછા ટકા આવવાને કારણે અનેક વાર વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતનો પ્રયાસ કે આપઘાત કરી લેતા હોવાની ઘટના બનતી હોય છે. એવામાં રાજકોટમાં પણ આવી જ એક ઘટના બનવા પામી છે. કોઠારીયા રોડ પર માધવ પાર્કમાં રહેતા યુવકે ધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ થઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, રિષી વિનોદભાઈ દોંગા(ઉ.21)એ ગઈકાલે સાંજે પોણા પાંચેક વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતે પરિવારજનોએ 108માં જાણ કરતા EMT નેહાબેન સ્થળ ઉપર પહોંચ્યા હતા. જેમણે રિષિને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

આ અંગે આજીડેમ પોલીસને જાણ કરાતા ASI જે.કે.કુરીયા તેમની ટીમ સાથે દોડી ગયા હતા, જ્યાં જરૂરી કાગળ કાર્યવાહી કરીને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રિશી બે ભાઈમાં નાનો હતો તેમના માતા-પિતા ગામડે રહે છે, જ્યારે તે અહીં ભાઈ-ભાભી સાથે રહેતો હતો.ભાઈ પોતાના કામ પર ગયા હતા અને ભાભી નજીકમાં જ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા. આ સમયે રિશી ઘરે એકલો હતો, ત્યારે તેણે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. રિશી ના પિતા ખેતી કામ કરે છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું કે, એકાદ વર્ષ પહેલા રિષિને ધો.12માં ઓછા ટકા આવ્યા હતા. જે બાદથી તે નિરાશ રહેતો હતો. જેના કારણે આ પગલું ભર્યાનું અનુમાન છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.