Rajkot: પોલીસના ડરથી સોની દંપતીનો આપઘાતનો પ્રયાસ, કુવાડવામાં મંદિર બહાર કાર ઉભી રાખી સજોડે ફિનાઈલ ગટગટાવ્યું

દંપતી કાર લઈને અમદાવાદ સોલા સ્થિત માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે માનસિક તણાવમાં રામધામ મંદિર નજીક કાર ઉભી રાખી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 15 Apr 2026 07:52 PM (IST)Updated: Wed 15 Apr 2026 07:52 PM (IST)
rajkot-couple-attempts-suicide-near-ramdham-temple-amid-police-harassment-allegations-728645
HIGHLIGHTS
  • ઔરંગાબાદ પોલીસે ઘરનો સામાન વેરવિખેર કરી નાખતા ડરના માર્યા પગલું ભર્યાનું તારણ
  • ઔરંગાબાદના અંકિતા જ્વેલર્સના માલિકે 1400 ગ્રામ સોનું ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી

Rajkot: રાજકોટના મોરબી રોડ પર આવેલા જે.કે. એપાર્ટમેન્ટમાં રહેતા સોની સમાજના વેપારીએ પોતાની પત્ની સાથે કુવાડવા નજીક આવેલા રામધામ મંદિર નજીક ફિનાઈલ ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બન્નેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વિશાલ ઝિંઝૂવાડિયા (41) સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ હાલમાં તેઓ રેલનગર વિસ્તારમાં 'શ્રી હરી કચ્છી દાબેલી બ્રેડ' નામે ખાણી-પીણીનો ધંધો ચલાવી રહ્યા છે. આ દંપતી સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ ધરાવે છે, જેઓ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિશાલભાઈ અને પૂજાબેન ગઈકાલે પોતાની કાર લઈને અમદાવાદ સોલા રોડ પર આવેલા જોગમાયા ધામ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે માનસિક તણાવમાં રહેલા દંપતીએ કુવાડવા નજીક રામધામ મંદિર પાસે કાર ઉભી રાખી હતી અને ત્યાં જ ફિનાઈલ ગટગટાવી લીધું હતું.

હોસ્પિટલના બિછાનેથી જાણવા મળ્યું છે કે, આ આત્યંતિક પગલા પાછળ પોલીસની હેરાનગતિ અને ભવિષ્યમાં થનારા સંભવિત શારીરિક ત્રાસનો ડર જવાબદાર હતો.આ સમગ્ર મામલાના મૂળમાં ભૂતકાળમાં નોંધાયેલી એક પોલીસ ફરિયાદ છે.

ઔરંગાબાદના અંકિતા જ્વેલર્સના માલિક આતીફભાઈએ વિશાલભાઈ, તેમના સાથી જયદીપ અને કારીગર અલ્પેશ વિરુદ્ધ 1400 ગ્રામ સોનાની ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વિશાલભાઈના પરિવારનો આક્ષેપ છે કે, આ કેસના અનુસંધાને પોલીસે તેમના ઘરે જઈને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પોલીસ પૂછપરછ માટે બોલાવશે અને ત્યાં તેમને ઢોર માર મારવામાં આવશે તેવા ડર અને અપમાનિત થવાની બીકે દંપતીએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.

આ વિવાદ માત્ર પોલીસ ફરિયાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં અપહરણ જેવી ગંભીર ઘટના પણ બની ચુકી છે.અગાઉ આતીફભાઈએ રાજકોટ આવીને વિશાલભાઈનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તે સમયે વિશાલના પત્ની પૂજાબેને સમયસૂચકતા વાપરીને આતીફની પત્નીને ફોન કરીને જાણ કરી હતી, જેના દબાણમાં આવીને આરોપીઓ વિશાલને બગોદરા પાસે છોડીને ભાગી ગયા હતા.

સતત મળી રહેલી ધમકીઓ અને કાયદાકીય ગુંચવણો વચ્ચે ઘેરાયેલા આ સોની દંપતીએ આખરે કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલ પોલીસે વિશાલભાઈએ કરેલા આક્ષેપો મામલે વધુ તપાસ કરી રહી છે અને હોસ્પિટલમાં દંપતીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.