Rajkot: રાજકોટ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગુંદાળા ફાટક પાસેથી મંજુબેન નામના મહિલાની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશના ચકચારી બનાવનો રાજકોટ રેલ્વે પોલીસે સફળ પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક નજરે માત્ર અકસ્માત લાગતો આ કેસ વાસ્તવમાં એક પૂર્વઆયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રેલ્વે પોલીસે અત્યાધુનિક CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની સચોટ મદદથી આરોપી પ્રકાશ કિશોરભાઇ સોલંકી (28) (રહે.ભગવતપરા શેરી નં.25/14,વિજય પ્રોવિઝન સ્ટોર ની બાજુમાં, ગોંડલ જી.રાજકોટ)ને ગોંડલથી ઝડપી પાડી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક મહિલા છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રકાશ સોલંકી સાથે પ્રેમસંબંધમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માટે અવારનવાર દબાણ કરી રહી હતી. આ બાબતના સતત ઝઘડાઓથી કંટાળીને આરોપી પ્રકાશે એક ઘાતકી અને ક્રૂર કાવતરું રચ્યું હતું.
પ્રકાશે પ્રેમિકા મંજુબેન (45) ને ચાલુ ટ્રેનમાંથી નીચે ધક્કો મારીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને આ સમગ્ર ઘટનાને રેલ્વે અકસ્માત તરીકે ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
જો કે રેલ્વે પોલીસના PSI કે.યુ. વાળા, ગોંડલ આઉટ પોસ્ટ,PSI બી.જે. જાડેજા, સર્વેલન્સ સ્કોડ, ASI સંજયભાઈ, કાન્તીભાઇ, મધુરાજસિંહ ઇન્દ્રસિંહ, જયવીરસિંહ, સંતોષભાઇ ગઢવી અને વિષ્ણુભાઇની ઊંડી તપાસ અને સતર્કતાને કારણે આરોપીનો આ કાળો કારસો ઝડપાઈ ગયો હતો.
