Rajkot: ગોંડલ તાલુકાના ચોરડી ગામે જેટકો કંપની દ્વારા ગૌચરની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરી સામે ગ્રામજનો અને ખેડૂતોનો વિરોધ ત્રીજા દિવસે પણ ઉગ્ર સ્વરૂપે ચાલુ રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ અનોખો રસ્તો અપનાવતા જેટકો કંપનીની પ્રતિકાત્મક સ્મશાન યાત્રા કાઢીને પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ગૌચર જમીન નજીક આવેલા સ્મશાન ખાતે જેટકો કંપનીની પ્રતિકાત્મક અંતિમયાત્રા અને નનામી કાઢવામાં આવી હતી. આ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા છાજીયા લઈને અનોખી રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી, જેણે ભારે ચર્ચા જગાવી છે.
આ વિરોધ કાર્યક્રમમાં ચોરડી ગામના અગ્રણીઓ હર્ષદસિંહ ઝાલા અને ચેતનભાઈ ગઢીયા સહિત ૫૦થી વધુ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર અને રોષ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આંદોલનમાં જોડાયેલા ચોરડી ગામના સ્થાનિક રાણા મહાવીરસિંહ સજુભાએ કંપની સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જેટકો કંપની દ્વારા મનસ્વી રીતે ગૌચરની જમીન પર કામગીરી ચલાવવામાં આવી રહી છે, જે સાંખી લેવામાં નહીં આવે.
