UpdatedIST

Rajkot Demolition: જંગલેશ્વરમાં રાજકોટ મનપાનું મહા-ડિમોલિશન; 1489 ગેરકાયદે મકાન, સામે 84 JBC ગરજ્યા

ડિમોલિશન કાર્યવાહી દરમિયાન 3000થી વધુ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી ડ્રોનથી આખા વિસ્તારમાં મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 23 Feb 2026 08:59 AM (IST)Updated: Mon 23 Feb 2026 09:06 AM (IST)
rajkot-municipal-corporation-mega-demolition-in-jungleshwar-area-started-697035
HIGHLIGHTS
  • જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કાર્યવાહી
  • 1489 જેટલા ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરાશે
  • 3000 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Jungleshwar Mega Demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ શહેરના કુખ્યાત જંગલેશ્વર વિસ્તારમાં 1489 ગેરકાયદે મકાનો તોડી પાડવાનું વિશાળ ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રમજાન માસની શરૂઆતમાં જ આ કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ક્યાંક રોષ અને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો.

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 84 JBC ગરજ્યા

રાજકોટ મહાનગરપાલિકાએ વિશાળ સ્તરે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. આ કાર્યવાહી માટે 84થી વધુ JCB મશીન, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સાત અલગ-અલગ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. 

રાજકોટ મનપા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ

આ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. તમામ સાત ઝોનમાંથી માહિતી પ્રાપ્ત કરી અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. સાથે જ જરૂરી માર્ગદર્શન અને તાત્કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટે કેન્દ્રીય નિયંત્રણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

3000 પોલીસ જવાનોનો કાફલો તૈનાત 

RMCના 1130 થી વધુ અધિકારીઓ તથા કર્મચારીઓનો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ 3000થી પણ વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. રાજકોટના આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસ કાફલો બોલાવી અને સતત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. 

જંગલેશ્વર વિસ્તારનો ગુનાહિત ઇતિહાસ

આ વિસ્તાર એક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આ વિસ્તારમાં ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સના મુખ્ય પેડલરો વસવાટ કરે છે. જ્યારે આ વિસ્તારમાં છેલ્લા એક દાયકા એટલે કે 10 વર્ષની અંદર દારૂના 276, ઘોડી-પાસના 65, 4 હત્યા અને 3 હત્યાની કોશિશના કેસ નોંધાઈ ચૂક્યા છે.

એટલું જ નહીં છેલ્લા એક દાયકામાં અહિયાંથી 61 ગેરકાયદે હથિયાર મળી આવ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત મુર્ઘા ગેંગના 21 શખ્સો સામે GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે, આ ગેંગના સાગરિતો પર છેલ્લા 10 વર્ષમાં દારૂ-જુગાર સિવાયના 36 ગંભીર ગુના નોંધાયેલા છે.