Rajkot Suicide: શહેરના ઓમનગર સર્કલ સ્થિત પટેલનગરમાં રહેતા યુવકે લફરેબાજ પત્ની, સાસુ-સસરા તેમજ સાળી અને સાઢુભાઈના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
મૃતક યુવકે અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટના આધારે તેની પત્ની અને સાસરિયા સામે તાલુકા પોલીસ મથકમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે વાંકાનેરમાં રહેતી મૃતકની બહેન શીતલ રાઠોડ (42)એ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, 2018માં મારાભાઈ પાર્થના જાનકી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સરખી રીતે ચાલ્યું હતુ. જો કે બે વર્ષ બાદ પાર્થે ફોન કરીને ફરિયાદ કરતો કે, પત્ની મારી પર શંકા કરે છે અને મને બહાર પણ જવા નથી દેતી.
પાર્થ કહેતો કે, મારી પત્નીને અન્ય વ્યક્તિ સાથે આડાસબંધ છે. જેના કારણે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ સમયે તેના સાસરિયાઓ મારી ભાભીને તેડી જતા હતા. જો કે પાછળથી સમજાવટ કરતાં તે પાછી આવી જતી હતી.
વર્ષે 2024માં પાર્થની પત્ની રિસામણી ગઈ અને 2025માં તેણી છૂટાછેડાનો કેસ કર્યો હતો, જે હાલ કોર્ટમાં ચાલુ છે. પાર્થ જ્યારે પણ મુદ્દત માટે કોર્ટમાં જતો, ત્યારે પત્ની છૂટાછેડા આપવા માટે દબાણ કરતી હતી. આખરે ગત 20 જુલાઈના રોજ મારા ભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા હતા. આ સમયે મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી હતી.
જાનકીને બે વર્ષથી બહુ લફરા હતા, હું તેને ભૂલી નહતો શકતો
પાર્થે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં પત્ની ઉપરાંત સાસુ-સસરા અને સાળી-સાઢુઓના નામનો ઉલ્લેખ કરીને તેમના ત્રાસથી પોતે આપઘાત કરતો હોવાનું જણાવ્યું હતુ. સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું જાનકીને બહુ જ લવ કરતો હતો. આથી તેને ભૂલી નહતો શકતો. જાનકીને બે વર્ષથી બહુ જ લફરા હતા.
છેલ્લા યોગેશ સોલંકીએ કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું કે, ડિવોર્સ આપી દે, બાકી તને મારી નાંખીશ. સસરા કહે છે કે, તું મરી જા તો પણ અમને કંઈ નહીં થાય. જાનકીને અનહદ લફરા હતા. આમ છતાં તેના પર પ્રેમના કારણે હું તેની પાછળ રહેતો હતો. આ તમામ રેકોર્ડિંગ્સ મારા ફોનમાં છે. તેમણે મને ખોટા કેસમાં ફસાવી દીધો છે. અંતમાં પાર્થે SP અને PI સમક્ષ ન્યાયની ગુહાર લગાવતા લખ્યું હતું કે, હું જીવવા માંગતો હતો, પરંતુ આ લોકોએ મને જીવવા જેવો રહેવા જ ન દીધો. આ પાંચ લોકો મારા સમાજ અને ધંધામાં મારી આબરું કાઢી નાંખી છે.
