Rajkot: શહેરના કણકોટ વિસ્તારમાં સગીર પુત્રના હાથે પિતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નશામાં ધૂત પતિ પત્નીને મારી રહ્યો હોવાથી સગીર પુત્રએ ગળુ દબાવીને પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે.
પરપ્રાંતિય શ્રમિક દંપતી વચ્ચેના ઝઘડાનો કરૂણ અંત
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશની નાની ડામોર કણકોટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરતી હતી. તેમજ સાઈટ પર આવેલી ઓરડીમાં પત્ની નાની ડામોર અને સગીર પુત્ર સાથે રહેતો હતો.
આજે વહેલી સવારે જ ભરતસિંહ પોતાના વતનથી રાજકોટ આવ્યો હતો. જ્યાં પત્ની સાથે તેને કોઈ બાબતને માથાકૂટ થઈ હતી. જે બાદ બપોરના સમયે ભરતસિંહ બહારથી નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો. આ સમયે પણ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન નશામાં ભાન ભૂલેલ ભરતસિંહે પત્નીને બેરહેમીથી ફટકારવાનું શરૂ કરી દીધુ હતુ.
માતાને માર ખાતા જોઈને સગીર પુત્રથી રહેવાયું નહીં અને તે ચિક્કાર પીધેલા પિતાની ચુંગાલમાંથી માતાને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેથી પિતા-પુત્ર વચ્ચે પણ ઝપાઝપી થવા લાગી હતી. જેથી બચવા માટે પુત્રએ પિતાનું ગળું દબાવી દેતા તે ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.
બીજી તરફ આ બાબતની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. જ્યાં પંચનામું કર્યા બાદ ભરતસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને સગીર પુત્રને સકંજામાં લઈને આગળની તપાસ હાથ ધરી હતી.
