Rajkot: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે તેના 20થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ ઉપર રાખ્યા છે, જ્યારે 40 એક આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે.
જો કે જે શહેરના ઉમેદવાર છે તેને સાચવવામાં પાર્ટી નિષ્ફળ જતા અઢી વાગ્યાની સ્થિતિએ કુલ 6 ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે અને ભાજપને ટેકો જાહેર કર્યો છે. જેમાં વોર્ડ 1,13,15,16 અને 18નાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. વોર્ડ 15ના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કરી દીધો.
વોર્ડ નંબર 15માં હાલ કોંગ્રેસ ભૂતપૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીને સાચવી શકે નથી અને પરિણામ સ્વરૂપે પ્રવીણભાઈએ તથા તેમના પત્નીએ કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આડકતરી રીતે ભાજપને ટેકો પણ જાહેર કરી દીધો છે. હાલ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ધમાસણ થઈ રહ્યું છે.
અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર મોકલી દીધા હતા, જેથી ભાજપ તેઓને તોડી ના શકે. એવામાં વોર્ડ નંબર 15ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયા તથા તે જ વોર્ડમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરેલ દેવરાજ સોનારાના ફોર્મ પરત ખેંચાવ્યા છે અને ભાજપને ટેકો જાહેર કરાવ્યો છે. એ વાત તો સ્પષ્ટ છે કે, આ વોર્ડમાં પ્રવીણ સોરાણી કોંગ્રેસની બાજી બગાડે તો નવાઈ નહીં.
ટિકિટ ન આપવા મામલે હાલ પ્રવીણભાઈ વિરોધનો સુર ઉઠાવી રહ્યા છે અને અપક્ષ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવી ભાજપને ટેકો જાહેર કરાવી રહ્યા છે એટલે કહી શકાય કે હાલ પ્રવીણભાઈ એન્ટી કોંગ્રેસ થઈ ચૂક્યા છે, ત્યારે છેલ્લી એક કલાકનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયું ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે એક વાત પાકી છે કે, આજ સાંજ સુધીમાં ખરું ચિત્ર સામે આવી જશે.
