Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનું વિલંબથી આગમન થયા બાદ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે 7 જુલાઈથી વરસાદ ગાયબ થઈ ગયો હતો, પરંતુ ગઈકાલે સાંજથી ફરીથી કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બેફામ બફારા બાદ વરસાદી માહોલ જામતા લોકો તેમજ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
81 તાલુકામાં વરસાદ, નડિયાદમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસ્યો
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 81 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જે પૈકી સૌથી વધુ 44 મિ.મી (1.5 ઈંચ) વરસાદ ખેડા જિલ્લાના નડિયાદમાં ખાબક્યો છે.
આ સિવાય વલસાડના પારડીમાં 39 મિ.મી (1.4 ઈંચ), નવસારીના ખેરગામમાં 27 મિ.મી (1.06 ઈંચ), સુરેન્દ્રનગરના વઢવાણમાં 27 મિ.મી (1.06 ઈંચ), તાપીના ઉકાઈમાં 26 મિ.મી (1.02 ઈંચ) વરસાદ વરસ્યો છે.
વીતેલા 2 કલાકમાં 22 તાલુકામાં વરસાદી ઝાપટા
જ્યારે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 28 મિ.મી (1.10 ઈંચ) વરસાદ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં વરસ્યો છે. આ સિવાય આણંદના પેટલાદમાં 23 મિ.મી., ખંભાતમાં 8, સુરેન્દ્રનગરના ચોટીલામાં 8 મિ.મી., વલસાડના કપરાડામાં 8 મિ.મી.તેમજ બોટાદના બરવાળામાં 8 મિ.મી વરસાદ પડ્યો છે.
ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યે 3 કલાકનું બુલેટીન જારી કરવામાં આવ્યું હતુ. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ જેવા 6 જિલ્લાઓમાં વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. આ સિવાય જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને કચ્છ સહિતના 22 જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવનાને જોતા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
