Himmatnagar bus accident: હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. કાટવાડ નજીક રવિવારે રાત્રે સુરતથી જોધપુર જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં બસના ચાલક સહિત કુલ સાત મુસાફરોને ઈજાઓ પહોંચી છે.
ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
આ પણ વાંચો
અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ બસનો ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો અને તેનો પગ ક્લચ નીચે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ હિંમતનગર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગ્રેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મશીન વડે બસના પતરા કાપીને 25 મિનિટની જહેમત બાદ ફાયર વિભાગે ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
મધ્યરાત્રિએ અજાણ્યા વાહન સાથે ટક્કર
આ ઘટના અંગે હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ગોઝારો અકસ્માત રવિવારે રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ સર્જાયો હતો. લક્ઝરી બસ કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.
તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ મુસાફરોને ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
