Himmatnagar Vanzara Samaj News: હિંમતનગરના બલોચપુરામાં વણઝારા સમાજનો એક અત્યંત પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક કરોડપતિ પિતાએ પોતાની શિક્ષિત દીકરીને ગરીબ યુવક સાથે લગ્ન કરવા બદલ તરછોડી દીધી. ત્યારે ખુદ વણઝારા સમાજે આગળ આવીને દીકરીનું મામેરું ભર્યું અને ધામધૂમથી લગ્ન કરાવ્યા છે.
ગરીબ યુવાન સાથે પ્રેમ અને પરિવારનો વિરોધ
આ પણ વાંચો
બલોચપુરાના કરોડપતિ સ્વ. વણઝારા મોતીજી સવાજી ભાટીના પુત્ર ઈશ્વરજી મોતીજી ભાટીની દીકરી અનિતા ભાટી B. Pharm નો અભ્યાસ કરે છે. પિતા ઈશ્વરજી અને મોટા બાપા જવારજી ભાટીએ અનિતાની સગાઈ માટે બે મૂરતિયા પસંદ કર્યા, જેમાં એક બડોલીનો સાંડિયા-સિસોદિયા શાખાનો વિજય મગનજી સાંડિયા હતો.
વિજય સાંડિયા પ્રમાણમાં ગરીબ પરિવારમાંથી આવતોહતો, પરંતુ તે ગ્રેજ્યુએટ હતો. અનિતાએ જીવનસાથી તરીકે વિજયને પસંદ કર્યો, પરંતુ પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી કાકા-બાપાઓએ અઠવાડિયાની અંદર જ બીજા મૂરતિયા સાથે તેના ઘડિયાં લગ્ન લેવાનું નક્કી કરી નાખ્યું હતું.
"હું બાપકર્મી નહીં, આપકર્મી છું" - દીકરી
પરિવારના દબાણ સામે ઝૂકવાને બદલે અનિતાએ સ્પષ્ટ કહી સંભળાવ્યું કે, તેણે જેને એકવાર મનથી પતિ સ્વીકાર્યો છે, હવે તે બીજા કોઈને સ્વીકારશે નહીં. પોતે 'બાપકર્મી નહીં પણ આપકર્મી છે' તેવો મક્કમ જવાબ આપીને અનિતાએ વડીલોના સખત વિરોધ વચ્ચે ઘર છોડી દીધું અને વિજય સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.
પિતાની નારાજગી, લાખો રૂપિયાની માંગણી
દીકરીના આ પગલાંથી તેનો પરિવાર સખત નારાજ થયો હતો. પિતા અને મોટા બાપાએ આ નવદંપતીને છૂટા પાડવા અને વિજયના ગરીબ પરિવારને બરબાદ કરવા માટે દહેજ અને ઝઘડા પેટે પહેલા 50 લાખ રૂપિયા અને ત્યારબાદ 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અનિતાના સાસરિયાઓએ દાગીના, જમીન અને ટ્રેક્ટર વેચીને પણ 8 લાખ ચૂકવ્યા હતા.
અહીં ન અટકતા રોષે ભરાયેલા પિતાએ દીકરી અનિતાને તેની બી.ફાર્મની મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દીધી ન હતી. એટલું જ નહીં, સરકારી શિષ્યવૃત્તિની 50 હજાર ફી ન મળે તે માટે શાળાકીય અને મહેસૂલી રેકોર્ડ સમાજ કલ્યાણ ખાતાને આપવાની ના પાડી દીધી. જોકે, તત્કાલીન સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ માર્ગ કાઢી આપીને દીકરીને શિષ્યવૃત્તિ અપાવી હતી.
વણઝારા સમાજના પંચનો ઐતિહાસિક ફેંસલો
આ સમગ્ર મામલો વણઝારા સમાજના જાતિ પંચ સમક્ષ પહોંચ્યો હતો. પંચે સમાજના બંધારણ મુજબ એક ઐતિહાસિક ફેંસલો આપતા જણાવ્યું કે, "જો બે કુંવારા યુવક-યુવતીનું મન મળી જાય અને તેમને ગોત્ર ન નડતું હોય તો તેઓ લગ્ન કરી શકે છે." મોટા બાપા જવારજીએ આ ફેંસલો ફગાવીને સમગ્ર પરિવાર અને મોસાળ પક્ષને લગ્નનો બહિષ્કાર કરવા ધમકી આપી.
પરંતુ, ગુજરાતભરના વણઝારા સમાજના આગેવાનોએ ધમકી વચ્ચે પણ એક થઈને 19 જૂન, 2026 ના રોજ બડોલીમાં પતિગૃહે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવદંપતીના લગ્ન કરાવ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગે પૂર્વ IPS ડી.જી. વણઝારા, પૂર્વ સચિવ કે.જી. વણઝારા, મગનજી વણઝારા, નંગાજી વણઝારા, ગંગાજી રાહડ ભાટી અને નાગજી ભાટી સહિતના આગેવાનો હાજર રહ્યા અને દીકરીને મામેરું અને કરિયાવર આપ્યું હતું.
