હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની શક્યતા, વિજાપુર અને હિંમતનગરના કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના

તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને નદીમાં ન જવા તાકીદ કરાઇ છે. નદીના પટમાં અવરજવર કરવા કે પશુઓને લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા આદેશ કરાયો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Jul 2026 12:42 PM (IST)Updated: Sun, 26 Jul 2026 12:42 PM (IST)
water-likely-to-be-released-from-hirpura-barrage-vijapur-and-himmatnagar-villages-put-on-alert

Sabarkantha News: સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં પાણીની સતત આવક વધતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, સુજલામ સુફલામ પેટા વિભાગ-3, વડનગર દ્વારા જણાવ્યા મુજબ, આજે તારીખ 26 જુલાઈ 2026ના રોજ બપોરે 2 થી 3 કલાકની આસપાસ બેરેજમાંથી જરૂરિયાત મુજબ પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે. આ સંભવિત જળ પ્રવાહને કારણે મહેસાણા જિલ્લાના વિજાપુર અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નદી કાંઠાના ગામોને તાત્કાલિક અસરથી સતર્ક કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં થઈ રહેલા નોંધપાત્ર વરસાદને કારણે હીરપુરા બેરેજના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ 23 જુલાઈ 2026થી શરૂ થયેલા વરસાદને પરિણામે હાલમાં બેરેજમાં અંદાજે 900 ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ રહી છે. જળસ્તરનું નિયંત્રણ જાળવવા અને બેરેજની માળખાકીય સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર વધારાના પાણીનો નિકાલ કરવો અનિવાર્ય બન્યો છે. આ સ્થિતિને ધ્યાને રાખીને બેરેજના નીચાણવાસમાં આવતા તમામ વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે.

આ ચેતવણીના પગલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુરા, ગણેશપુરા, જુનાસંઘપુર અને ધનપુરા ગામો તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ, સરોલી, ગેડ અને વાગપુર ગામોના રહેવાસીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. આ તમામ આઠ ગામોના રહીશો અને ખેડૂતોને નદીના પટમાં કે કિનારાના વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ અંગે સંબંધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટઓને પણ જરૂરી કાર્યવાહી કરવા અને ગ્રામ્ય સ્તરે સંકલન સાધવા પત્ર પાઠવી તાકીદ કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ખાસ વિનંતી કરવામાં આવી છે કે નદીના પાણીના પ્રવાહમાં કોઈએ પ્રવેશ કરવો નહીં કે પશુઓને પણ નદી તરફ લઈ જવા નહીં. આ ઉપરાંત માછીમારી, કપડાં ધોવા કે સ્નાન કરવા જેવી કોઈપણ પ્રવૃત્તિ માટે નદીના પાણીમાં ઉતરવું જોખમી સાબિત થઈ શકે છે.