North Gujarat Rain News: ઉત્તર ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ક્યાં કેટસો વરસદા પડ્યો તે જોઈએ
ગત સવારથી આજે સવાર સુધીમાં ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે:
ગાંધીનગર જિલ્લો:
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યાં સૌથી વધુ 3.50 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા તાલુકામાં 1.65 ઇંચ, ગાંધીનગર શહેરમાં 0.79 ઇંચ અને કલોલમાં 0.47 ઇંચ વરસાદ પડ્યો છે.
સાબરકાંઠા જિલ્લો:
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 2.87 ઇંચ, હિંમતનગરમાં 2.17 ઇંચ અને તલોદમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં ઇડર અને વિજયનગરમાં 0.35 ઇંચ, વડાલીમાં 0.31 ઇંચ તેમજ ખેડબ્રહ્મામાં 0.16 ઇંચ વરસાદ થયો છે.
અરવલ્લી જિલ્લો:
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે, જેમાં ધનસુરામાં 2.83 ઇંચ અને મોડાસામાં 2.32 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ બાયડમાં 2.24 ઇંચ, મેઘરજમાં 2.17 ઇંચ, માલપુરમાં 1.81 ઇંચ અને શામળાજીમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે. સાઠંબા અને ભિલોડા તાલુકામાં પણ 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે.
મહેસાણા જિલ્લો:
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વિસનગરમાં 0.63 ઇંચ, જોટાણામાં 0.59 ઇંચ, કડીમાં 0.59 ઇંચ, મહેસાણા શહેરમાં 0.16 ઇંચ અને ખેરાલુમાં 0.08 ઇંચ વરસાદ પડ્યો છે.
પાટણ જિલ્લો:
પાટણ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે, જેમાં સાંતલપુરમાં 0.12 ઇંચ, શંખેશ્વરમાં 0.08 ઇંચ અને સમીમાં 0.08 ઇંચ વરસાદ થયો છે.
આજના છેલ્લા બે કલાકના વરસાદના આંકડા
આજે સવારના 6થી 8 સુધીમાં ગુજરાતના 58 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમા વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગ, વાસંદામાં પોણો ઈંચ, નાનપોંઢા, ઉપરપાડા, નેત્રંગમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
