Sabarkantha: શામળાજી હાઈવે પર બેકાબુ કાર ગુલાંટ ખાઈ ગઈ, અમદાવાદના 3 યુવકોના કમકમાટીભર્યા મોત

શામળાજીથી ગાંભોઈ તરફ જતી હેરિયર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માથાસુલિયા ગામ નજીક પલટી મારી ગઈ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 27 Nov 2025 08:26 PM (IST)Updated: Thu 27 Nov 2025 08:26 PM (IST)
sabarkantha-news-3-killed-car-turn-turtle-on-shamlaji-himmatnagar-highway-645713
HIGHLIGHTS
  • એક યુવકને ગંભીર હાલતમાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હાઈવે પર આવેલા માથાસુલિયા ગામ નજીક એક બેકાબુ કાર પલટી જતાં અમદાવાદમાં રહેતા 3 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શામળાજીથી ગાંભોઈ તરફ આવી રહેલી હેરિયર કાર હિંમતનગર નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહી હતી. જેવી કાર માથાસુલિયા ગામ નજીક પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતના પગલે લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ કારમાંથી યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણ યુવકના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જયારે એક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આ્યો છે.

હાલ તો ગાંભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ આકાશ પરીખ, જય પટેલ અને વિશાલ પટેલ તરીકે થઈ છે, જ્યારે આયુષ પટેલને ગંભીર ઈજા પહોંચી છે. આ તમામ લોકો અમદાવાદમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. આ અકસ્માતની જાણ થતાં ભોગ બનનારાના પરિવારજનો ગાંભોઈ આવવા રવાના થઈ ગયા છે, જે બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.