Sabarkantha News: હડીયોલ પંચાયતમાં હિંમતનગર જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલ દ્વારા 4.37 કરોડનો વેરો લાંબા સમયથી ચૂકવાયો નથી. જે મામલો હવે ગરમાયો છે. વેરાનો મામલો હવે ગરમાયો છે.જેથી સિવિલના વહીવટી વિભાગને તા. 8 મે 26 સુધીમાં હડીયોલ પંચાયત દ્વારા સીલ મારવાની તૈયારી કરી દીધી છે.
સિવિલ મેનેજમેન્ટે વેરો ન ચૂકવ્યો
હિંમતનગરના જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલ માટે હડીયોલ ગામમાં જમીન ફાળવણી કરવામાં આવી હતી. જે બાદ સૈદ્ધાંતિક રીતે હડીયોલ પંચાયતમાં 1,12 કરોડનો વેરો ભરવા અંગેલ મિલકત આકારણી કરાઈ હતી. ગ્રામ પંચાયતમાં તે પૈકી મેડિકલ કોલેજે ત્રણ વર્ષ સુધી 98 લાખ દર વર્ષે વેરા પેટે નિયમિતપણે ચૂકવી આપ્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા વેરો ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
આકારણીમાં વેરો નક્કી કરાયો
હડીયોલ પંચાયતે તત્કાલીન ડીડીઓ રાજેન્દ્ર પટેલને સંપર્ક સાધીને ગ્રામ પંચાયત બોલાવીને આકારણી ફરીથી નક્કી કરવા સલાહ આપતા ગ્રામસભા બોલાવી હતી.મેડિકલ કોલેજ અને સિવિલનો વેરો 30-30 લાખ નક્કી કરવામાં આવ્યો હતો, તા. 1 જાન્યુઆરીના રોજ જીમર્સ મેડિકલ કોલેજ અને સંકુલની જગ્યા પાલિકામાં સમાવિષ્ટ થઈ ત્યાં સુધી સિવિસ અને મેડિકલ કોલેજે વેરો ચૂકવ્યો હતો.
વહીવટી વિભાગને સીલ કરવા તૈયારી
વેરો ન ચૂકવવા બાબતે હડીયોલ તલાટી ઘનશ્યામભાઈના જણાવ્યા મુજબ,સિવિલના વહીવટી વિભાગને 4.37 કરોડની વેરા વસૂલાત માટે તા. 13-04-26 ના રોજ સીલ કરવા અંગેની નોટિસ આપી હતી. ચૂંટણી જાહેર થતાં જ વહીવટી વિભાગને તા. 8 મે 2026ના રોજ સીલ મારી દેવાની નોટિસ સરપંચ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
રાજ્ય આરોગ્યમંત્રીને કરાઈ રજૂઆત
ઉપરાંત ગામના અગ્રણી મહેન્દ્રભાઈ ભુદરભાઈના જણાવ્યા મુજબ, સામાન્ય લોકોનું લેણું હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. અમે વેરા બાબતે આરોગ્યમંત્રી લેવલે રજૂઆતો કરી ચૂક્યા છીએ. આ બાબતનો કોઈ ઉકેલ ન જણાતા ગ્રામલોકોના અભિપ્રાય અનુસાર કાયદાકીય સલાહ દ્વારા પંચાયતે નોટિસ પાઠવી છે .ચૂંટણી પતે તે પછી જ ગ્રામજનોની ઉપસ્થિતિમાં સિવિલના વહીવટી વિભાગને સીલ કરવામાં આવશે.
