Sabarkantha: કોંગ્રેસની બહુચર્ચિત જનઆક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી, ત્યારે હિંમતનગરમાં તેને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આજે જ્યારે યાત્રા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ પરિવારની મહિલાઓએ તેને રોકીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જિગ્નેશ મેવાણીના નિવેદન મુદ્દે વિરોધ
મહિલાઓએ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધનું મુખ્ય કારણ ગત 21 નવેમ્બરના રોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સ મુદ્દે મેવાણી દ્વારા પોલીસ તંત્ર પર કરાયેલા વિવાદિત નિવેદન છે. જેમાં કોંગ્રેસ ધારાસભ્યએ પોલીસ અધિકારીઓને તેમના પટ્ટા ઉતરાવી દેવા મુદ્દે ટિપ્પણી કરી હતી. અગાઉ આ નિવેદનના વિરોધમાં હિંમતનગરના પોલીસ પરિવારે આંબાવાડી પોલીસ ક્વાર્ટર્સથી અહિંસા સર્કલ સુધી રેલી પણ યોજી હતી.
મહાવીરનગર ચાર રસ્તે ઘેરાવો
પોલીસ પરિવારની મહિલાઓએ મહાવીરનગર ચાર રસ્તે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યાત્રા જ્યારે ટાવરથી રેલવે ઓવરબ્રિજ પર થઈને મહાવીરનગર ચાર રસ્તે પહોંચી, ત્યારે મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ પોતાના વિરોધ પર અડગ રહી હતી.
આ દરમિયાન કોંગ્રેસનાં મહિલા અને પુરુષ કાર્યકરોએ પણ સામે પક્ષે દારૂના વેચાણ વિરુદ્ધ નારા લગાવીને જવાબ આપ્યો હતો, જેના પગલે સ્થળ પર થોડા સમય માટે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી.
આ યાત્રામાં કોંગ્રેસના ટોચના નેતાઓ જેવા કે અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિત અન્ય આગેવાનો જોડાયા હતા. વિરોધ વચ્ચે પણ યાત્રા જિલ્લા પોલીસવડા કચેરી પાસેથી પસાર થઈને નવા બજારમાં પ્રવેશી હતી.
