Sabarkantha: સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ની ટીમે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સીંગા ગામમાંથી ભેળસેળિયું દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ દરોડામાં 200 લિટર બનાવટી દૂધ અને તેને તૈયાર કરવાનો સામાન જપ્ત કર્યો છે.
હકીકતમાં SOGની ટીમને બાતમી મળી હતી કે, ઈડર તાલુકાના સીંગા ગામમાં રામજી મંદિર નજીક રહેણાંક મકાનમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમે ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને સીંગા ગામના અશ્વિનકુમાર શર્માના ઘરમાં દરોડો પડ્યો હતો.
જ્યાંથી પોલીસને નકલી દૂધ બનાવનાર અશ્વિકુમાર શર્મા મળી આવ્યો હતો. જેની વિરુદ્ધ જાદર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે જ અશ્વિનના ઘરમાંથી 200 લીટર નકલી દૂધ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે SOGને ઘટના સ્થળેથી 5 લિટર સોયા ઓઈલ, 10 કિલો વે પાઉડર, 2 કિલો મેલ્ટ્રો ડેક્સિન પાવડર, 4 મિક્સર, ફેટ કાઢવાની શીશી, તેલના ખાલી ડબ્બા અને કેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો ફૂડ વિભાગની ટીમે દૂધના સેમ્પલ તપાસ અર્થે મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
