Sabarkantha, Gujarat Rain: અરબી સમુદ્ર ઉપર સક્રિય થયેલા ડિપ્રેશનના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગત 25 ઓક્ટોબરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.આ સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી હોવાથી આગામી 2 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઈકાલે એકંદરે ગુજરાતમાં કમોસમી વરસાદે વિરામ લીધો હોય તેમ આખા દિવસ દરમિયાન ગણ્યા-ગાંઠ્યા તાલુકાઓમાં જ સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા. જો કે આજે ફરીથી ગુજરાતમાં અષાઢી માહોલ છવાઈ ગયો છે. આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન ગુજરાતના 186 તાલુકામાં માવઠું પડ્યુ છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આખા દિવસ દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ 81 મિ.મી (3.19 ઈંચ), ભરૂચના હાંસોટમાં 69 મિ.મી (2.7 ઈંચ), ભાવનગરના તળાજામાં 65 મિ.મી (2.5 ઈંચ), ડાંગના સુબીરમાં 59 મિ.મી (2.3 ઈંચ),સુરતના મહુવામાં 56 મિ.મી (2.2 ઈંચ) અને ગાંધીનગર શહેરમાં 53 મિ.મી (2.09 ઈંચ) જેટલો વરસાદ વરસ્યો છે. આજે ગુજરાતના 24 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ત્રણેક દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે માવઠાનું જોર ઉત્તર ગુજરાતમાં વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારે 10 વાગ્યા બાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં મેઘાવી માહોલ છવાયો હતો. જેમાં ગાંધીનગરના કલોલમાં 42 મિ.મી (1.6 ઈંચ), મહેસાણાના કડીમાં 41 મિ.મી (1.6 ઈંચ), સાબરકાંઠાના તલોદમાં 41 મિ.મી (1.6 ઈંચ), ગાંધીનગરના દહેગામમાં 39 મિ.મી (1.5 ઈંચ), સાબરકાંઠાના પ્રાંતિજમાં 35 મિ.મી (1.3 ઈંચ) હિંમતનગરમાં 34 મિ.મી (1.3 ઈંચ) વરસાદ પડ્યો છે.
છેલ્લા 2 કલાકમાં 100 તાલુકામાં વરસાદી ઝાપટા
સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સાબરકાંઠાના હિંમતનગરમાં 24 મિ.મી, મહેસાણાના વિજાપુરમાં 18 મિ.મી, બેચરાજીમાં 18 મિ.મી, સાબરકાંઠાના પ્રાંતિજમાં 14 મિ.મી, તલોદમાં 12 મિ.મી, ઈડરમાં 12 મિ.મી વરસાદ વરસ્યો છે.
