Chhota Udepur: છોટાઉદેપુર શહેરમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી જ વિશાળ અને વ્યવસ્થિત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વધતી વીજ ચોરીને ધ્યાનમાં રાખીને કંપનીની વિજિલન્સ ટીમે પહેલા થી જ સંપૂર્ણ આયોજન સાથે કામગીરીનો આરંભ કર્યો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વીજ કનેક્શન ચકાસવા માટે કુલ 46 અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ તપાસમાં કુલ 171 કર્મચારીઓ સાથે જરૂરી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ મંડળ પણ સક્રિય રીતે જોડાયું હતું.
વીજ કંપની દ્વારા પ્રથમ તબક્કામાં મુખ્ય વિસ્તારો અને સંભવિત શંકાસ્પદ સ્થળોનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું. સવારથી જ ચેકિંગ ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. આખા દિવસ દરમિયાન કુલ 1483 વીજ ગ્રાહકોના કનેક્શનની તપાસ હાથ ધરાઈ, જેમાંથી 74 સ્થળોએ સીધી-સરળ વીજ ચોરીનો ભાંડો ફૂટી નીકળ્યો હતો.
મોટાપાયે ચાલી રહેલી આ ગેરકાયદેસર વિજ વપરાશ સામે તરત જ પગલા લેવાયા હતા. વીજ ચોરી પકડાયેલા ગ્રાહકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરી કુલ રૂ. 35.06 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની માહિતી વિજિલન્સ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
કંપનીના અધિકારીઓ અનુસાર છેલ્લા કેટલાક સમયથી શહેરના ચોક્કસ વિસ્તારોમાં વીજ વપરાશ વધ્યો હોવા છતાં બિલમાં વિસંગતતા જોવા મળી રહી હતી. આથી વીજ ચોરીની શક્યતા મજબૂત બની હતી. આ કારણસર અચાનક ચેકિંગ દ્વારા સાચી સ્થિતિ બહાર આવી હતી.
વીજ ચોરી માત્ર કાયદેસર ગુનો જ નહીં, પરંતુ અન્ય સામાન્ય વપરાશકર્તાઓ સાથે અન્યાય સમાન છે. વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાય નહીં અને નાણાંકીય નુકશાનથી બચી શકાય તે માટે આવી તપાસ આવશ્યક બને છે.
વિજિલન્સ ટીમે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ આવી તપાસ અભિયાન અનિયત સમયગાળા બાદ સતત ચાલું રહેશે. વીજ કંપનીએ લોકો ને ચેતવણી આપી છે કે, કોઈપણ પ્રકારની ગેરકાયદેસર જોડાણ કે મીટરમાં ચેડાં કરી વીજ વપરાશ કરવો ગુનાહિત છે. વીજ ચોરી રોકવા માટે વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમો, ચકાસણી અને તકેદારીનાં પગલાં લેવામાં આવશે જેથી નાગરિકો નિયમિત રીતે વીજ વપરાશ કરે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે.
