Dog Attack in Surat: સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલા ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી. મહત્વનું છે કે, માસૂમ બાળકો પર રખડતા શ્વાનના હુમલાની સુરતમાં ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે.
બાળકીને બચકા ભર્યા
મળતી માહિતી મુજબ, ગઇકાલે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન, અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને પકડી પાડીને તેના શરીરના વિવિધ સંવેદનશીલ ભાગો, જેમાં માથા, કાન, ગાલ અને આંખનો સમાવેશ થાય છે, તેના પર આડેધડ બચકા ભર્યા હતા.
બાળકી સ્મીમેર હોસ્પિટલમાં
બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી હતી. આ હુમલામાં બાળકીના શરીર પર 10થી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા.
ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેને વધુ સારવાર અને ઈજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે. તબીબી સૂત્રો દ્વારા બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પર શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે.
ગરીબ પરિવાર પર આભ ફાટ્યું
પીડિત બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને બાળકીના પિતા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા-પિતા અને ત્રણ બહેનો છે. પિતાની મર્યાદિત આવક વચ્ચે બાળકી પર થયેલા આ જીવલેણ હુમલાથી પરિવાર પર આભ ફાટી પડ્યં છે અને તેઓ અત્યંત ચિંતાતુર બન્યા છે.
આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં સુરત મહાનગરપાલિકા (SMC)ની કામગીરી સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા તેમની નસબંધી કે નિયંત્રણની કાર્યવાહી અસરકારક રીતે કરવામાં આવતી નથી. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક કડક પગલાં લઈને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
